શું ટાઇપ ૧ અને ટાઇપ ૨ ડાયાબિટીસ એકસાથે થઈ શકે? જાણો ‘ડબલ ડાયાબિટીસ’ વિશે
‘ડબલ ડાયાબિટીસ’ એવું સાંભળીને એવું લાગી શકે કે કોઈ વ્યક્તિને બે અલગ-અલગ પ્રકારના ડાયાબિટીસ થયા છે. પરંતુ આ એક અનૌપચારિક શબ્દ છે જે એક ચોક્કસ સ્થિતિ દર્શાવે છે. જ્યારે ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિમાં ઇન્સ્યુલિન પ્રતિકાર (ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ) પણ વિકસે છે, જે સામાન્ય રીતે ટાઇપ ૨ ડાયાબિટીસ સાથે જોડાયેલી વિશેષતા છે, ત્યારે તેને ડબલ ડાયાબિટીસ કહેવામાં આવે છે, એમ ગ્લેનેગલ્સ હોસ્પિટલ, પારેલના ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડૉ. આરતી ઉલ્લાલ સમજાવે છે.

શું તેનો અર્થ ટાઇપ ૧ અને ટાઇપ ૨ બંને ડાયાબિટીસ હોવો એ છે?
જેમ ડાયાબિટીસ નિષ્ણાત સમજાવે છે કે, ડબલ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ પાસે ટાઇપ ૧ ડાયાબિટીસ તો ચાલુ જ રહે છે, પરંતુ તેની સાથેસાથે નોંધપાત્ર ઇન્સ્યુલિન પ્રતિકાર પણ વિકસી શકે છે. આના કારણે બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બની શકે છે અને ઇન્સ્યુલિનની જરૂરિયાત વધી જાય છે.
ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા લોકોએ કયા ચિહ્નો પર નજર રાખવી જોઈએ?
આમાં ક્યારેક સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી, તેથી નિયમિત તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
“ઇન્સ્યુલિનની વધતી જરૂરિયાતો, અચાનક વજન વધવું અથવા બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડવી એ શંકા ઊભી કરી શકે છે,” ડૉ. ઉલ્લાલ ચેતવણી આપે છે.
આ ઉપરાંત, કમરનો ઘેરાવો વધવો અને હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. ડૉક્ટરો વ્યક્તિના એકંદર મેટાબોલિક સ્વાસ્થ્યની સાથે આ બાબતોને પણ ધ્યાનમાં લે છે.

કોને આ થવાનું જોખમ વધુ રહેલું છે?
જે લોકોને ટાઇપ ૧ ડાયાબિટીસ હોય અને વજન વધી જાય અથવા પેટની આસપાસ ચરબી જમા થઈ જાય, તેમને આનું જોખમ વધુ હોઈ શકે છે.
ડૉ. ઉલ્લાલના જણાવ્યા અનુસાર, “કુટુંબમાં ટાઇપ ૨ ડાયાબિટીસનો ઇતિહાસ પણ આમાં ફાળો આપી શકે છે.” ઓછી શારીરિક પ્રવૃત્તિ (કસરતનો અભાવ) અને બિનઆરોગ્યપ્રદ ખોરાક જોખમને વધુ વધારી શકે છે.
જો કે, આ તમામ પરિબળો દરેક કિસ્સામાં લાગુ પડે તેવું જરૂરી નથી. “તે અલગ-અલગ કારણોસર અલગ-અલગ લોકોમાં વિકસી શકે છે,” તેમણે ઉમેર્યું.
ડૉક્ટરો તેનું નિદાન કેવી રીતે કરે છે?
ડૉ. ઉલ્લાલ પુષ્ટિ કરે છે કે ‘ડબલ ડાયાબિટીસ’નું નિદાન કરી શકે તેવો કોઈ એકમાત્ર ટેસ્ટ નથી.
“ડૉક્ટરો વ્યક્તિના ટાઇપ ૧ ડાયાબિટીસના ઇતિહાસ, ઇન્સ્યુલિનની જરૂરિયાતો, વજન અને કમરના માપ, બ્લડ પ્રેશર અને અન્ય મેટાબોલિક માર્કર્સોને ચકાસે છે,” ડૉ. ઉલ્લાલે જણાવ્યું.
શું સારવારમાં કોઈ બદલાવ આવે છે?
વ્યક્તિને ટાઇપ ૧ ડાયાબિટીસ હોવાથી ઇન્સ્યુલિન અનિવાર્ય રહે છે. આ સાથે સારવારમાં ઇન્સ્યુલિન પ્રતિકાર સુધારવા માટેના ઉપાયો પણ સામેલ હોઈ શકે છે.
