શું E20 પેટ્રોલથી માઇલેજ ઘટે છે? સંસદમાં મંત્રી નીતિન ગડકરીએ આપ્યો સત્તાવાર જવાબ
દેશમાં E20 પેટ્રોલ (૨૦ ટકા ઇથેનોલ અને ૮૦ ટકા પેટ્રોલનું મિશ્રણ) ના વ્યાપક ઉપયોગની શરૂઆત સાથે જ વાહનચાલકો અને વાહન માલિકોના મનમાં કેટલાક ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા છે. શું E20 પેટ્રોલના ઉપયોગથી ગાડીની માઇલેજ ઘટી જાય છે? શું તે જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડીને તેને બેકાર બનાવી દે છે?
આ તમામ આશંકાઓ અને સવાલો પર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબ આપીને સરકારનું સત્તાવાર અને વૈજ્ઞાનિક વલણ સ્પષ્ટ કર્યું છે.
વૈજ્ઞાનિક પરીક્ષણોમાં એન્જિન સુરક્ષિત હોવાનો દાવો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કરવામાં આવેલા વ્યાપક અને ઊંડાણપૂર્વકના વૈજ્ઞાનિક પરીક્ષણોમાં E20 પેટ્રોલથી વાહનોના પ્રદર્શન અથવા એન્જિનની ટકાઉપણું (Durability) પર કોઈ મોટો નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નથી.
તેમણે સંસદમાં માહિતી આપી હતી કે ઇન્ડિયન ઓઇલ (IOCL), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP), સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર સંયુક્ત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં સામે આવ્યું છે કે જૂના અને હાલના વાહનોના પ્રદર્શનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી, તેમજ એન્જિનના કોઈ પણ ભાગમાં અસામાન્ય ઘસારો જોવા મળ્યો નથી.
માઇલેજ ઘટવા પાછળ માત્ર ઇંધણ જવાબદાર નથી
વાહનની માઇલેજ અંગે સ્પષ્ટતા કરતાં ગડકરીએ સમજાવ્યું કે કોઈપણ વાહનની ઇંધણ કાર્યક્ષમતા અથવા માઇલેજ માત્ર અને માત્ર ઇંધણના પ્રકાર પર આધારિત નથી હોતી. વાહન ચલાવવાની શૈલી (Driving Style), રસ્તાની સ્થિતિ, ટ્રાફિકનું પ્રમાણ, ટાયરનું પ્રેશર, સમયસર વાહનની જાળવણી અને એન્જિનની એકંદર સ્થિતિ જેવા અનેક પરિબળો માઇલેજ નક્કી કરવામાં મહત્વની ભ્રમિકા ભજવે છે.
આથી, જો વાહનની માઇલેજમાં સામાન્ય તફાવત દેખાય, તો તેના માટે ફક્ત E20 પેટ્રોલને દોષી ઠેરવવો તાર્કિક નથી.
જૂના વાહનો અને એન્જિન મોડિફિકેશન અંગે સરકારનો ખુલાસો
ઘણા વાહન માલિકોમાં એવો ભય હતો કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવા માટે તેમણે પોતાની કાર કે બાઇકના એન્જિનમાં મોટા અને ખર્ચાળ ફેરફારો કરવા પડશે. આ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કરવાની સહેજ પણ જરૂર નથી.
જોકે, તેમણે એક મહત્વની વાત ઉમેરી હતી કે એપ્રિલ ૨૦૦૫ માં અમલમાં આવેલા અને વર્ષ ૨૦૧૬ પહેલા ઉત્પાદિત થયેલા BS-III ધોરણો ધરાવતા કેટલાક ખૂબ જૂના વાહનોમાં ચોક્કસ રબરના ભાગો, સીલિંગ અથવા ગાસ્કેટમાં ઘસારો આવી શકે છે. આ રબર પાર્ટ્સને સામાન્ય અને નિયમિત સર્વિસિંગ દરમિયાન ખૂબ જ ઓછા ખર્ચે સરળતાથી બદલી શકાય છે.
૧૦૦ વર્ષ જૂનો વૈશ્વિક ઇતિહાસ અને ભારતમાં ઇથેનોલ રોડમેપ
ઇથેનોલ મિશ્રણની પૃષ્ઠભૂમિ આપતાં મંત્રીએ જણાવ્યું કે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાની ટેકનોલોજી વૈશ્વિક સ્તરે ૧૦૦ વર્ષથી વધુ જૂની છે. બ્રાઝિલ જેવા દક્ષિણ અમેરિકી દેશો દાયકાઓથી E20 કરતાં પણ વધુ પ્રમાણમાં ઇથેનોલ ધરાવતા ઇંધણનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.
ભારતમાં પણ આ કાર્યક્રમ અચાનક શરૂ કરવામાં આવ્યો નથી. ૨૦૦૧ માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી આ યોજના હેઠળ ૨૦૦૬ માં E5 પેટ્રોલ લૉન્ચ કરાયું હતું. ત્યારબાદ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ નીતિ આયોગ હેઠળ આંતર-મંત્રી સમિતિની રચના કરાઈ હતી, જેણે એન્જિન કેલિબ્રેશન, ફ્યુઅલ સિસ્ટમ અને ઉત્સર્જનના તમામ પાસાઓનો અભ્યાસ કરીને “રોડમેપ ૨૦૨૦-૨૫” તૈયાર કર્યો હતો. તમામ પ્રયોગશાળા ચકાસણીઓ અને ફીલ્ડ ટ્રાયલ્સ પૂર્ણ કર્યા બાદ જ તબક્કાવાર રીતે દેશમાં E20 પેટ્રોલ અમલમાં મુકાયું છે.