પશ્ચિમ બંગાળમાં 26 એપ્રિલના રોજ મતદાનનો સાતમા તબક્કો છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના ચેપમાં ભારે ઉછાળાને કારણે કડક કોવિડ પ્રોટોકોલ હેઠળ યોજવામાં આવશે. એ ઉલ્લેખનીય છે કે આઠ તબક્કા પૈકી આવતીકાલે સાતમા તબક્કાનું મતદાન થશે. બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 2જી મે એ જાહેર થશે.
આવતીકાલે 284 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં સીલ થશે જેમાં મમતા બેનર્જીનું હોમટાઉન ભવાનીપુર પણ સામેલ છે. અત્રે એ જોવું રહ્યું કે ભવાનીપુરના સીટીંગ ધારાસભ્ય મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે ભવાનીપુરથી તૃણમૂલે સોહનદેવ ચટોપાધ્યાયને પક્ષ માટે જીતની હેટ્રીક કરવા મેદાને ઉતાર્યા છે. ત્યારે આ લડાઈ રસપ્રદ બની રહેશે.
કુલ પાંચ જિલ્લાના 12068 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવશે. આ જિલ્લાઓમાં કોલકતા, માલદા, દક્ષિણ દીનાજપુર, મુર્શીદાબાદ અને પશ્ચિમ બર્ધમાન સામેલ છે.
આ તબક્કાનું મતદાન કોરોનાના ભયંકર કહેર વચ્ચે થશે, આથી ચૂંટણીપંચે પણ મોડે મોડે કોરોનાને કારણે લોકોમાં ચેપ ના ફેલાય એ માટે પૂરતાં પગલાં લેવા કમર કસી છે. રાજકીય પક્ષોએ પણ આખરે કોરોનાના વધતા સંક્રમણના કારણે અંતિમ તબક્કાઓમાં ચૂંટણી પ્રચારમાં થોડી પીછે હઠ કરી છે. રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણીપ્રચારની ના પાડ્યા બાદ મુખ્ય પ્રતિસ્પર્ધી મમતા બેનર્જી અને ભાજપે પણ પ્રચાર પડઘમ શાંત કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ પણ પોતાની રેલીઓ મોકૂફ રાખી હતી.