ઇંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ: રિઝવાન અને ઇમામને વતન પરત મોકલવાની તૈયારી!
ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ સતત બે ટેસ્ટ મેચમાં શરમજનક પરાજય બાદ ભારે સંકટનો સામનો કરી રહી છે. લીડ્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ્સ અને 103 રનથી પરાજિત કર્યું હતું, જ્યારે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ 194 રનથી મોટો પરાજય થયો હતો. આ સતત બે હાર સાથે પાકિસ્તાને ત્રણ ટેસ્ટ શ્રેણી 2-0થી ગુમાવી દીધી છે.
આ નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓપનિંગ બેટ્સમેન ઇમામ-ઉલ-હકને પ્રવાસની વચ્ચેથી જ પાકિસ્તાન પરત મોકલવાની યોજના બનાવવામાં આવી રહી છે. જોકે, આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હાર બાદ પીસીબીની ઉચ્ચ સ્તરીય બેઠક
લોર્ડ્સ ટેસ્ટમાં કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીસીબીના ચેરમેન મોહસીન નકવી, સીઓઓ સુમૈર અહેમદ, પીએસએલના સીઈઓ સલમાન નાસિર, વરિષ્ઠ પસંદગીકાર આકિબ જાવેદ અને વ્હાઇટ-બોલ ટીમના મુખ્ય કોચ માઇક હેસન હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ટીમના ફ્લોપ પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં થઈ રહેલી ટીકાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન હાલમાં સૌથી તળિયે પહોંચી ગયું હોવાથી બોર્ડના ઉચ્ચ સ્તરે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ઇમામની ઈજા શંકાના ઘેરામાં અને નવા ખેલાડીની એન્ટ્રી
બીજી ટેસ્ટ દરમિયાન ઇમામ-ઉલ-હકની સ્થિતિને લઈને પણ વિવાદ ઊભો થયો છે. મેચના પ્રથમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થવાનું કારણ આપીને તે બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા આવ્યો ન હતો. પરંતુ અહેવાલો મુજબ, તેની ઈજાના પ્રકાર અને ગંભીરતા સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
England dominate at Lord’s to clinch the #WTC27 series 2-0 against Pakistan 💪
📝: https://t.co/RHhzhca0G3 pic.twitter.com/5JLpFeybrt
— ICC (@ICC) August 30, 2026
રિઝવાન અને ઇમામના નબળા ફોર્મ તથા ઈજાના વિવાદ વચ્ચે 23 વર્ષીય યુવા બેટ્સમેન અબ્દુલ્લા ફઝલને તાત્કાલિક ઇંગ્લેન્ડ બોલાવવાની અટકળો ઝડપથી ચાલી રહી છે. ફઝલે અત્યાર સુધી પાકિસ્તાન માટે બે ટેસ્ટ મેચ રમી છે.
કોચિંગ સેટઅપમાં મોટા ફેરફારના સંકેત
માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ટીમના કોચિંગ સ્ટાફમાં પણ મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર, મર્યાદિત ઓવરોની ટીમના મુખ્ય કોચ માઇક હેસનને ટેસ્ટ ટીમની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. હેસન બાકીના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમ સાથે રહીને મુખ્ય ભૂમિકા ભજવે તેવી ચર્ચા છે.
