ફિલ્મ એકટર રણવીર સિંહે જુલાઈ મહિનામાં પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ તેની સામે થયેલા કેસ અંતર્ગત આજે તા.29 ઓગસ્ટના રોજ રણવીર સિંહ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં સવારે સાત વાગે પહોંચી જતા પોલીસે અહીં બે કલાક સુધી રણવીર સિંહની પુછતાછ કરી હતી.
ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ કહ્યું હતું કે રણવીરને 10 સવાલ પૂછવામાં આવ્યા હતા. રણવીરે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા હતા.
રણવીરે કહ્યું હતું, પોતાને સહેજ પણ ખબર નહોતી કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુસીબત ઊભી કરી દેશે, પોતે એક જનરલ ફોટોશૂટની જેમ જ આ ફોટોશૂટ કર્યું હોવાની વાત કરી હતી.
ફોટોશૂટને સો.મીડિયામાં શૅર કરવાના સવાલ પર એક્ટરે કહ્યું હતું, ‘હું માત્ર એટલું જ ઈચ્છતો કે આ વધુ ને વધુ લોકો સુધી પહોંચી, આ જ કારણે મેં સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તસવીરો પોસ્ટ કરી નહોતી.’ રણવીરે તપાસમાં સહયોગ આપવાની વાત કહી હતી. પોલીસને જરૂર લાગશે તો બીજીવાર રણવીરને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.
નોંધનીય છે કે રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈચ્છિક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાએ કહ્યું હતું કે રણવીરે પોતાના ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને તેમનું અપમાન કર્યું છે, આથી આ તસવીરો હટાવવામાં આવે. આ સાથે જ રણવીરની ધરપકડની માગણી પણ કરી હતી. રણવીર વિરુદ્ધ 509, 292, 293 તથા IT એક્ટની 67A હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
ફરિયાદ બાદ મુંબઈ પોલીસે 48 કલાકનો સમય માગ્યો હતો. ત્યાર બાદ રણવીર વિરુદ્ધ કેસ કર્યો હતો. કલમ 292 હેઠળ પાંચ વર્ષ, કલમ 293 હેઠળ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. IT એક્ટ 67A હેઠળ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.
આમ,ન્યૂડ ફોટાને કારણે એકટરની મુસીબત વધી છે.