મુંબઇઃ ભારતના સૌથી મોંઘા સેલિબ્રિટીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ક્રિકેટ અને ફિલ્મ જગતના સેલિબ્રિટીનો દબદબો રહ્યો છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે સતત ચોથા વર્ષ 2020માં સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી રહ્યા અને આ યાદીમાં બીજા અને ત્રીજા સ્થાને હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તથા રણવીર સિંહનું નામ છે.
બ્રાન્ડ વેલ્યુએશનમાં મહારત રાખનાર કંપની ડફ એન્ડ ફેલ્પ્સે ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું કે, 2020 માટે મુખ્ય 10 સર્વાધિક મૂલ્યવાન સેલિબ્રિટીની યાદીમાં ફક્ત બે મહિલાઓ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2020માં કોહલીની બ્રાન્ડ વેલ્યૂ જળવાઈ રહી હતી, જ્યારે ટોચના 20 સેલિબ્રિટીઓએ પોતાની કુલ વેલ્યૂના 5 ટકાથી લગભગ એક અબજ અમેરિકન ડોલર ગુમાવી હતી. કોહલી સતત ચોથા વર્ષે સૌથી વેલ્યૂએબલ સેલિબ્રિટી બન્યા અને કોવિડ-19 મહામારી છતાં તેની બ્રાન્ડ વેલ્યૂ 23.77 કરોડ ડોલર પર સ્થિર છે. અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યૂ 13.8 ટકાની વૃદ્ધિ સાથે 11.89 કરોડ અમેરિકન ડોલર રહી અને તેનું બીજું સ્થાન રહ્યું છે. રણવીર સિંહ 10.29 કરોડ અમેરિકન ડોલર સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.
ડફ એન્ડ ફેલ્પ્સના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂએશન સ્ટડીની છઠ્ઠી આવૃત્તિ પ્રમાણે, 2020માં ટોચની 20 હસ્તિઓની કુલ બ્રાન્ડ વેલ્યૂ એક અબજ ડોલર હતી, જે 2019ની સરખામણીએ 5 ટકા ઓછી છે. આ યાદીમાં 5.11 કરોડ ડોલરના મૂલ્યાંકન સાથે શાહરૂખ ખાન ચોથા સ્થાને છે, જ્યારે દિપીકા પાદૂકોણ 5.04 કરોડ ડોલર સાથે પાંચમાં સ્થાને રહી છે. આલિયા ભટ્ટ છઠ્ઠા સ્થાને રહી છે.