આજે આખા દેશમાં 69મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આપણાં સંવિધાનની સ્થાપના થઈ હતી. આ વચ્ચે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના સૌથી મોટા સન્માનની ઘોષણા કરી છે. તેમાં એક્ટર કાદર ખાનનું પણ નામ શામેલ છે. અનેક ફિલ્મોને પોતાની એક્ટિંગ અને લેખન કાર્યથી દમદાર બનાવનાર કાદર ખાનને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. કાદર ખાનનું નિધન એક મહિના પહેલા 31 ડિસેમ્બરે થયું હતું. કાદર ખાનને જીવતા જીવ તો ક્યારેય કોઈ પુરસ્કારથી નવાજવામાં ન આવ્યા. તેમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.
કાદર ખાન અફઘાનિસ્તાનનાં કાબુલમાં જન્મ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાને જણાવ્યું હતુ કે, “મારી પહેલા માને 3 દીકરા થયા, પરંતુ ત્રણેયનાં મોત લગભગ 8 વર્ષની ઉંમર સુધી આવતા આવતા થયા. ત્યારબાદ ચોથા નંબર પર મારો જન્મ થયો. મારા જન્મ પછી મારી માતાએ મારા પિતાને કહ્યું કે આ જમીન મારા દીકરાઓ માટે માફક નથી આવી રહી અને ત્યારબાદ મારો પરિવાર મુંબઈ આવી ગયો.
તમને જણાવી દઈએ કે આ લિસ્ટની ઘોષણા ગઈ કાલે રાત્રે કરવામાં આવી હતી. આ લિસ્ટમાં કાદર ખાનના ઉપરાંત મનોજ બાજપેયી, ડાન્સ-ફિલ્મમેકર પ્રભુદેવા, ગાયક શંકર મહાદેવન, સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ જેવા નામનો પણ સમાવેશ થાય છે. આ દરેકને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. ત્યાંજ ગાયક, સંગીતકાર અને ગીતકાર ભુપેન હજારિકા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવામાં આવશે.