#MeToo મૂવમેન્ટના કારણે સંગીતકાર અનુ મલિકનો ટીવી શોમાંથી ભોગ લેવાયો છે. સોની ટીવી પર આવતા ઈન્ડીયન આઈડલ-10માંથી અનુ મલિકને તગેડી મૂકવામાં આવ્યા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. જ્યારે અનુ મલિકનુ કહેવુ છે કે ટીવી શોમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. બ્રેક લેવાના કારણે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે.
અનુ મલિકે કહ્યું છે કે ઈન્ડીયન આઈડલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. પોતાના કામ પર વધુ ફોકસ કરવા માટે આ નિર્ણય લીધો છે. સંગીત અને કેટલાક શોમાં બિઝી હોવાના કારણેટીવી શોને સમય ફાળવી શકું એમ નથી.
દરમિયાન સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝને પ્રેસને જણાવ્યું છે કે હવેથી અનુ મલિક ઈન્ડીયન આઈડલની જ્યુરી પેનલમાં નથી. શો રાબેતા મુજબ આગળ ધપશે અને નેહા તથા વિશાલના સથવારે આ સિઝનમાં ઈન્ડીયન સિંગીગના ટેલેન્ટને જજ કરવામાં આવશે.
અનુ મલિક પર જાતીય શોષણનાં આરોપ લાગ્યા છે. ટીવી ચેનલે આ આરોપોને ગંભીરતાથી લીધા છે. ચેનલે અનુ મલિક અંગે નિર્ણય લેવા માટે તેમને કહેણ પણ મોકલ્યું હતું અને તરત જ અનુ મલિકે કહ્યું હતું કે શોમાંથી બ્રેક લીધો છે.
શ્વેતા પંડીત, સોના મોહાપાત્રા સહિત અન્ય કેટલીક મહિલાઓએ અનુ મલિક પર જાતીય શોષણના આરોપ મૂક્યા છે. અનુ મલિકે તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.