વડોદરાની આ સ્ટારને 2011થી 2014 સુધીમાં મુંબઈની સૌથી છેવાડાની ગલીમાં આવેલ પ્રોડક્શન અને ડિરેક્ટર હાઉસમાં ઓડિશન આપી 6 મુવી મળી, પણ બોલીવુડમાં કોઈની ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે એવી માંગોને મારે પુરી કરવાની હતી જે મારી નીતિ બહારની હતી. માટે ટોકન એમાઉન્ટ પાછી આપી હોલિવુડ તરફ વળી. જ્યાં ટેલેન્ટને આધારે 2014માં હંસેલ વિ.ગ્રેટેલ મુવીમાં સપોર્ટિંગ રોલ વડોદરાની હોલિવુડ સ્ટાર એલિશા ક્રિસને મળ્યો હતો.
વડોદરાની હોલિવુડ સ્ટાર એલિશા ક્રિસે ઉર્ફે એલિશા પટેલે જણાવ્યું હતું કે હું 8 વર્ષની હતી ત્યારે મને રીયલાઈઝ થયું કે જીવન ઘણું નાનું છે. નાના જીવનમાં લોકોને એન્ટરટેન કરીને ઇન્સ્પાયર કરવા છે. માતા-પિતા બન્ને જજ હતા જેથી ઘરે હું અને મારી બહેન એકલા જ ઘરે હોઈએ, જેના કારણે બચપનથી જ અંગ્રેજી મુવી જોવાનો શોખ જાગ્યો હતો. હું અને મારી બહેન શાંતિથી અંગ્રેજી ફિલ્મ જોતા અને હું તે જ પ્રમાણે બોલવાનો પ્રયત્ન કરતી. જેના કારણે 13 વર્ષની ઉંમરથી જ ફોરેન એસન્ટ મારી અંગ્રેજીમાં આવી ગયું. તે જ સમયે મેં વિચારી લીધું કે હું હોલિવુડ સ્ટાર બનીશ. હું પહેલા લોકોને જોઈને ઘણી ગભરાતી પણ 17 વર્ષની ઉંમરે પહેલીવાર બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધા જીતીને હજારો લોકોને સંબોદ્યા ત્યારપછી કેમેરા સાથે મારી મિત્રતા થઇ ગઈ. 2010માં એમએસયુનિ બીબીએ ફેકલ્ટીમાં હું અભ્યાસ કરતી હતી, તે સમયે મમ્મીને કહ્યું કે, મારે ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે, ત્યારે તેમણે કહ્યું બીબીએમાં ડિસ્ટિંક્શન લાવીશ તો જરૂર ફિલ્મ ક્ષેત્રે જવા દઈશ અને મારા નસીબે મને સાથ આપ્યો ડિસ્ટિંક્શન આવ્યું. હું મુંબઈ જવાની હતી તેના થોડા સમય પહેલા મમ્મીના કહેવાથી દૂર-દૂરના સબંધીઓના ફોન આવવા લાગ્યા કે બેટા આ ફિલ્ડ આપણા જેવા લોકો માટે નથી. આપણે જે ભણ્યા છે તે ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. મેં તેમનું સાંભળ્યું પણ મારા મને જે કીધું તે મેં કર્યું. જેને કારણે આજે હોલિવુડની 9થી વધુ ફિલ્મમાં અભિનય કરીને બચપણમાં કરેલ વિચારને સાકાર કર્યો છે. બોલીવુડના 80% અભિનેતાઓનો એટિટ્યૂટ ફિલ્ડ પર મોડા આવવાનો છે. જેને કારણે ઇન્ડસ્ટ્રી પણ પાછળ ચાલી રહી છે.