Mahesh Babu: કૌભાંડમાં ફસાયા મહેશ બાબુ? રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયું નામ
Mahesh Babu: ટોલીવૂડ સુપરસ્ટાર મહેશ બાબુ ફરી એકવાર કાનૂની વિવાદમાં સપડાયા છે. તેમને એક રિયલ એસ્ટેટ કંપનીના સમર્થક હોવાના કારણે કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલો 34 લાખ રૂપિયાના કથિત પ્લોટ કૌભાંડ સાથે સંબંધિત છે, જેનો શિકાર હૈદરાબાદના એક ડૉક્ટર બન્યા હોવાનું કહેવામાં આવે છે.
શું છે સમગ્ર મામલો?
રંગા રેડ્ડી જિલ્લા ગ્રાહક આયોગે મહેશ બાબુને નોટિસ મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ડૉક્ટર સંજય પાનસરે નામના વ્યકિતએ ફરિયાદ દાખલ કરી છે કે તેઓએ સાઈ સૂર્યા ડેવલપર્સ પાસેથી પ્લોટ ખરીદવા માટે ₹34.8 લાખ ચૂકવ્યા હતા, પરંતુ તે પ્લોટ અસ્તિત્વમાં નથી.
ફરિયાદ પ્રમાણે, મહેશ બાબુએ આ રિયલ એસ્ટેટ ફર્મ માટે બ્રાન્ડ એંબેસેડર તરીકે કામ કર્યું હતું અને તેમના પ્રતિષ્ઠાના આધારે ઘણા ખરીદદારો આ કંપની તરફ આકર્ષાયા હતા.
મહેશ બાબુનું નામ આરોપીઓમાં સામેલ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેશ બાબુને ત્રીજા આરોપી તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે, અને કહેવામાં આવે છે કે તેમણે ગ્રાહકોને ગુમરાહ કરવામાં પરોક્ષ ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે, આ પહેલા એપ્રિલ 2025માં Enforcement Directorate (ED) દ્વારા પણ તેમને મની લોન્ડરિંગ તપાસ માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહિ
હાલ સુધીમાં મહેશ બાબુ કે તેમની તરફથી કોઈ પણ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. તેમના પ્રતિનિધિઓ તરફથી પણ હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વર્કફ્રન્ટ પર વ્યસ્ત છે મહેશ બાબુ
તેમના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, મહેશ બાબુ છેલ્લે 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંટુર કરમ’ માં જોવા મળ્યા હતા. તેઓ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘SSMB 29’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન એસ. એસ. રાજામૌલી કરી રહ્યા છે.