ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત મુદ્દે કોમર્શિયલ કોર્ટે મૂકેલી સ્ટે ઉઠાવી લીધો છે. જોકે, કોમર્શિયલ કોર્ટમાં કેસ ચાલુ જ રહેશે. આ પહેલા બુધવારે કોમર્શિયલ કોર્ટે ગીત પરનો સ્ટે લંબાવ્યો હતો, તેમજ બંને પક્ષકારોને ખખડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે સ્ટે ઉઠાવી લેતા હવેથી કિંજલ દવે કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ કે જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાઈ શકશે.
જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ.પી. ઠાકરની કોર્ટે કિંજલની અરજીને માન્યતા આપી હતી. હાઇકોર્ટે આ કેસમાં અવલોકન કર્યું હતું કે, બીજા પક્ષને સાંભળ્યા વગર જ ગીત પર પ્રતિબંધનો આદેશ કરવામાં આવ્યો છે. કિંજલ વતી હવે કોમર્શિયલ કોર્ટમાં રજુઆત અથવા જવાબ રજૂ કરવામાં આવશે. કોર્ટે સ્ટે હટાવી દેતા હવે કિંજલ દવે ગુજરાતમાં આગામી 24,25 અને 26ના રોજ પ્રોગ્રામમાં આ ગીત ગાઈ શકશે.