જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશાની પ્રી-વેડિંગ સેરેમની શનિવારથી શરૂ થઇ ગઇ છે. આ સેરેમનીમાં સામેલ થવા માટે દેશ-વિદેશમાંથી મહેમાન ઉદયપુર આવી રહ્યાં છે. શહેરના ડબોક એરપોર્ટ પર દર 16 મિનિટે એક પ્લેન લેન્ડ થઇ રહ્યું છે. જેમાં 50 ચાર્ટર્ડ અને 40 નિયમિત ફ્લાઇટ્સ પણ સામેલ છે. નોંધનીય છે કે 1500 મેહમાનો માટે 92 જેટલા ચાર્ટર્ડ પ્લેન હાયર કરવામાં આવ્યા છે. ઉદયપુર એરપોર્ટ પર પાર્ક કરવા માટે જગ્યા ઓછી પડતાં અમુક પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યા છે.
ઉદયપુર એરપોર્ટમાં પ્લેન પાર્કિંગની ક્ષમતા ઓછી હોવાથી સેરેમનીમાં આવી રહેલા મહેમાનોના પ્લેનને પાર્કિંગ માટે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે અમદાવાદ એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કુલ 33 એરક્રાફ્ટના પાર્કિંગ સ્ટેન્ડ છે, જેમાં 13 શિડ્યૂલ્ડ અને 20 નોન શિડ્યૂલ્ડ પ્લેન છે. તેવામાં મર્યાદિત જગ્યા હોવાથી અમદાવાદ એરપોર્ટ પણ હાલ માત્ર છ પ્લેન માટે જ જગ્યા ફાળવવામાં આવી છે.