(સૈયદ શકીલ દ્વારા) : 22 ઑક્ટોબર 1937માં અફઘાનિસ્તાનમાં જન્મેલા કાદરખાને 31 ડિસેમ્બર 2018ના રોજ અંતિમ શ્વાસ લીધા. કાદરખાન અફઘાનમાં જન્મેલા ભારતીય-કેનેડિયન ફિલ્મ અભિનેતા, પટકથા લેખક, હાસ્ય કલાકાર અને દિગ્દર્શક હતા. અભિનેતા તરીકે 1973ની ફિલ્મ દાગથી ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી. દાગમાં રાજેશ ખન્ના લીડ રોલમાં હતા ત્યાર બાદ અંદાજે 300 જેટલી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. દાગમાં કાદરખાને એડવોકેટની ભૂમિકા કરી હતી. 1970 થી 1999 ના સમયગાળા દરમિયાન બૉલીવુડની ફિલ્મો માટે એક ઉત્કૃષ્ટ સ્ક્રીનપ્લે રાઈટર રહ્યા. 200 ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા. કાદર ખાન બોમ્બે યુનિવર્સિટીથી જોડાયેલી ઇસ્માઇલ યુસુફ કૉલેજમાંથી સ્નાતક થયા હતા. 1970 ના દાયકાની શરૂઆતમાં ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરતા પહેલા, તેમણે સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે એમ.એચ.સાબુ સિદ્દિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ મુંબઇ ખાતે ભણાવ્યું હતું. તેઓ પ્રેોફેસર તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ કુરાનનાં અચ્છા જાણકાર હતા.
કાદર ખાનનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ રહેમાન ખાન કંદહારના પઠાણ હતા, જ્યારે તેમની માતા ઈકબાલ બેગમ બ્રિટિશ ભારત (હવે પાકિસ્તાનના બલુચિસ્તાન)નાં હતા. કાદર ખાનને ત્રણ ભાઈઓ શમ્સુર્રહેમાન, ફઝલુર્રહેમાન અને હબીબુર્રહેમાન હતા.તેઓ પશ્તુનના ગ્રામીણ વિસ્તાર કાકર જાતિના હતા.
કાદર ખાનનો પ્રારંભિક અભ્યાસ મ્યુનિસિપલ સ્કૂલમાં થયો હતો. ત્યાર બાદ ઇસ્માઇલ યુસુફ કોલેજમાં પ્રવેશ કર્યો. ઇન્સ્ટિટ્યુટ ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા)ના સિવિલ એન્જિનિયરીંગમાં માસ્ટર ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ (એમઆઈઇ) મેળવ્યું. 1970 અને 1975ની વચ્ચે તેમણે સિવિલ ઇજનેરીના પ્રોફેસર તરીકે ભાયખલાની એમ. એચ. સાબુ સિદ્દિક કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ભણાવ્યું. કૉલેજના વાર્ષિક સમારંભમાં એક નાટકમાં અભિનય કરતી વખતે કાદર ખાનના અભિનયની નોંધ દિલીપ કુમારે લીધી હતી. અને તેમણે પોતાની ફિલ્મ માટે સાઈન કરવાનું કહ્યું હતું.
કાદર ખાને નાટકો પણ લખ્યા પરંતુ જવાની દિવાનીની સ્ક્રિપ્ટ લખવાની ઓફર કરવામાં આવી. આ રીતે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત થઈ. કાદર ખાનનું ઘર મુંબઈમાં છે પણ સાથો સાથ તેમનું કુટૂંબ નેધરલેન્ડ અને કેનેડામાં પણ રહે છે. તેમના ત્રણ પુત્રો સરફરાઝ ખાન, શાહનાવાઝ ખાન, અને કેનેડામાં ત્રીજો પુત્ર રહે છે. અંતિમ શ્વાસ ત્રીજા પુત્રના ઘરે જ લીધા હતા. સરફરાઝ ખાને ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. એવું નોંધાયું છે કે કાદર ખાને કેનેડાની નાગરિકતા લીધી હતી.
કાદર ખાને હિન્દી અને ઉર્દૂમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. રાજેશ ખન્નાના આગ્રહ પર મનમોહન દેસાઈએ તેમને રોટી (1974) ફિલ્મ માટે સંવાદો લખવા માટે એક લાખ વીસ હજાર રૂપિયા ચૂકવ્યા હતા. રાજેશ ખન્ના, જીતેન્દ્ર, ફિરોઝ ખાન, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, ગોવિંદા સાથે તેમણે અનેક ફિલ્મોમાં અભિનય આપ્યો. તાતીનૈની રામ રાવ, કે. રાઘવેન્દ્ર રાવ, કે બાપિયા, નારાયણ રાવ દાસારી, ડેવિડ ધવન જેવા ડાયરેક્ટરો સાથે કાદર ખાને કામ કર્યું અને સુપરહિટ ફિલ્મો આપી. તેમણે અસરાની, શક્તિ કપૂર અને જોની લિવર જેવા અન્ય હાસ્ય કલાકારો સાથે મળીને કામ કર્યું. તેમણે ઘણી ફિલ્મોમાં અમરીષ પુરી, પ્રેમ ચોપરા અને અનુપમ ખેર સાથે સપોર્ટીંગ એક્ટર તરીકેની પણ ભૂમિકા ભજવી. પિતા, કાકા, ભાઇ, વિલન, કોમેડીયન, ગેસ્ટ એક્ટર તરીકે પણ રોલ કર્યા હતા.
કાદર ખાને રાજેશ ખન્નાની મુખ્ય ભમિકાવાળી ફિલ્મ દાગમાં એડવોકેટ તરીકે સહાયક ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે દિલ દિવાના, ગૂંજ, ઉમર કૈદ, મુક્તિ, ચોર-સિપાહી, મુકદ્દર કા સિકંદર અને મિસ્ટર નટવરલાલમાં નાની ભૂમિકાઓ સાથે સહાયક કલાકાર તરીકે અભિનય કર્યો. પરંતુ રાજેશ ખન્ના સાથે મહાચોર, છૈલા બાબુ, ફિફટી-ફિફટી, મકસદ, નયા કદમ અને નસીહત જેવી સફળ ફિલ્મોમાં ભૂમિકા ભજવી. 1982 થી 2005નો સમયગાળો તેમની કારકીર્દિનો સુવર્ણકાળ રહ્યો. કારણ કે તેમણે અભિનયમાં વર્સેટિલિટી સાથે એક્ટીંગ કરી. 1976 થી 1982 ની વચ્ચે રિલીઝ થયેલી પરવરીશ, ધન-દૌલત, લૂટમાર, કુરબાની, બુલુંદી, મેરી આવાઝ સુનો, સનમ તેરી કસમ, નસીબ અને નૌકર બીવી કા જેવી ફિલ્મોમાં ખલનાયક તરીકે દેખાયા હતા. જોકે, 1982 થી તેઓ વિલન તરીકે વધુ લોકપ્રિય બન્યા.
દક્ષિણના ડાયરેક્ટર્સ દ્વારા કાદર ખાનને લઈ ફર્ઝ ઔર કાનૂન, જીઓ ઔર જીને દો , સમ્રાટ, જસ્ટીસ ચૌધરી, મવાલી, મકસદ, નયા કદમ, કૈદી, રામકલી, હોશીયાર અને સ્વર્ગ સે સુંદર જેવી ફિલ્મો બનાવી અને કાદર ખાને પોતાની વર્સેલિટીનો પરિચય કરાવ્યો. જ્યારે 1984 બાદ કાદર ખાને માસ્ટરજી, ધર્મ અધિકારી, નસીહત, દોસ્તી-દુશ્મની, ઘર સંસાર, લોહા, ઇન્સાનિયત કે દુશ્મન, ઇન્સાફ કી પુકાર, ખુદગર્ઝ, કિશન-કનૈયા, શેરની, ખૂન ભરી માંગ, સોને પે સુહાગા, વર્દી જેવી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી. ત્યાર બાદ તેમણે સોશિયલ મેસેજ આપતી ફિલ્મો પણ કરી હતી જેમાં બીવી હો તો ઐસી, જૈસી કરની વૈસી ભરની, ઘર હો તો ઐસા અને ભરપૂર કોમેડી ફિલ્મો હમ હૈ કમાલ કે અને બાપ નંબરી તો બેટા દસ નંબરી જેવી જોરદાર ફિલ્મો પણ આપી હતી. તેમની કોમેડીની પરખ હિમ્મતવાલા અને આજ કા દૌરમાં પ્રથમ વખત થઈ હતી. ત્યાર બાદ તેમની કોમેડી સિક્કા, કિશન-કનૈયા, હમ, ઘર પરિવાર, બોલ રાધા બોલ તથા આંખે ફિલ્મમાં જોવા મળી.
આ ઉપરાંત તેમણે તકદીરવાલા, મૈં ખિલાડી તુ અનાડી, દુલ્હે રાજા, કુલી નંબર વન, સાજન ચલે સસુરાલ, સૂર્યવંશમ, જુદાઈ, આન્ટી નંબર વન, બડે મિયાં છોટે મિયાં, રાજા બાબુ, ખુદ્દાર, છોટે સરકાર, ઘરવાલી-બહારવાલી, હિરો હિન્દુસ્તાની, ખેલાડી નંબર વનમાં ભૂમિકા ભજવી અને 2000ના પ્રારંભમાં તેમણે અંખીયોં સે ગોલી મારે, ચલો ઇશ્ક લડાયેં, સુનો સસુરજી, યે હૈ જલવા અને મુઝસે શાદી કરોગી જેવી ફિલ્મોમાં સર્વતોમુખી ભૂમિકાઓ ભજવી. કાદરખાને ટીવી સિરિયલો બનાવી હતી. સ્ટાર પ્લસની હંસના મત અને સહારાની પડોશી, કૌન હૈ દોષી એમ બે સિરિયલમાં તેઓ દેખાયા હતા. 2006માં ફેમિલી અને 2015માં તેઓ તેવરમાં જોવા મળ્યા હતા.
રાજેશ ખન્નાએ કાદર ખાનને સ્ક્રીન રાઈટર તરીકે બ્રેક આપ્યો હતો. ત્યાર બાદ રાજેશ ખન્ના માટે તેમણે મહાચોર, છૈલા બાબુ, ધર્મકાંટા, ફિફટી-ફિફટી, નયા કદમ, માસ્ટરજી અને નસીહત જેવી ફિલ્મો માટે ડાયલોગ લખ્યા હતા. મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફીસ પર હીટ રહી હતી.
અન્ય સફળ ફિલ્મો કે જેના માટે તેમણે સંવાદો લખ્યા છે તેમાં જીતેન્દ્રની હિંમતવાલા, જાની દોસ્ત, સરફરોશ, જસ્ટીસ ચૌધરી, ફર્ઝ ઔર કાનૂન, જીઓ ઔર જીને દો, તોહફા, કૈદી, હેસિયતનો સમાવેશ થાય છે. મનમોહન દેસાઈ સાથે ધરમ વીર, ગંગા જમના સરસ્વતી, કૂલી, દેશ પ્રેમી, સુહાગ, પરવરીશ અને અમર અકબર એન્થોની અને પ્રકાશ મહેરા સાથેની ફિલ્મોમાં જ્વાલામુખી, શરાબી, લાવારીસ, મુકદ્દર કા સિકંદર શામેલ છે. મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા જેવા હરીફો સાથે કામ કરનારા તેઓ એક માત્ર વ્યક્તિ હતા.
અમિતાભ બચ્ચનની ફિલ્મો મિસ્ટર નટવરલાલ, ખુન-પસીના, દો ઔર દો પાંચ, સત્તે પે સત્તા, ઇન્કલાબ,ગિરફતાર, હમ અને અગ્નિપથ, કુલી માટે કાદર ખાને ડાયલોગ લખ્યા હતા. ઉપરાંત કાદર ખાને અમિતાભની અગ્નિપથ અને નસીબ જેવી ફિલ્મો માટે સ્ક્રીનપ્લે પણ લખ્યો હતો. કાલા બાઝાર જેવા સફળ ફિલ્માના સંવાદ લેખક પણ કાદર ખાન જ રહ્યા હતા. કર્માનો પ્રખ્યાત ડાયલોગ એક થપ્પડ ગૂંજ પણ કાદર ખાને લખ્યો હતો.
કાદર ખાન પીએસપીનો શિકાર બન્યા હતા. પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિયર પાલ્સી(પીએસપી) એક અસામાન્ય માથાનો વિકાર છે. જે શરીરની ગતિ, ચાલવા દરમિયાનનું બેલેન્સ, બોલવામાં, ખાવામાં, જોવામાં, માનસિક સ્થિતિ તથા શરીરના હલન-ચલનને પ્રભાવિત કરે છે. આ ડિસઓર્ડર માથામાં નર્વ સેલ્સને નષ્ટ થવાને કારણે થાય છે. પીએસપીની બિમારીના કારણે કાદર ખાનનું નિધન થયું અને તેમણે આ ફાની દુનિયાને હંમેશ માટે અલવિદા કહી.
રેફરન્સ-વીકીપિડીયા