Kamal Haasan: કન્નડ ભાષા પર નિવેદન બાદ વિવાદ: કમલ હાસનનું માફી માંગવાનો ઇનકાર, કહ્યું – પહેલાં પણ ધમકી મળી છે
Kamal Haasan: અભિનેતા અને રાજકારણી કમલ હાસન હાલ તેમની આગામી ફિલ્મ *‘ઠગ લાઇફ’*ના પ્રમોશન અને કન્નડ ભાષા વિશેના એક વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. ચેન્નઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહેલું કે “કન્નડ ભાષાનું મૂળ તામિલ ભાષામાં છે,” જેને લઇને કન્નડ સમુદાયમાં ઉગ્ર વિરોધ થયો છે.
કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) તરફથી ચેતવણી
KFCC એ કમલ હાસનને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો તેઓ માફી નહીં માગે તો તેમની ફિલ્મ ‘ઠગ લાઇફ’ કર્ણાટકમાં રિલીઝ થવા નહીં દેવામાં આવે. કર્ણાટકના અનેક શહેરોમાં ફિલ્મના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.
કમલ હાસનનો જવાબ: “જ્યાં ખોટો નથી ત્યાં માફી કેમ માંગું?”
કમલ હાસને મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું:
“જો હું ખોટો છું તો ચોક્કસ માફી માંગુ છું. પણ જો હું સાચો છું તો પછી માફી નહિ માંગુ. આ મારી લાઇફસ્ટાઇલ છે. ભારતમાં લોકશાહી છે અને હું કાયદા અને ન્યાયમાં વિશ્વાસ રાખું છું.”
તેમણે કહ્યું કે આ પહેલી વાર નથી કે તેમને ધમકી મળી છે. “હું પહેલા પણ સત્ય સાથે ઊભો રહ્યો છું, અને હવે પણ ઊભો રહીશ,” તેમ પણ તેમણે ઉમેર્યું.
વિવાદ શું છે?
28 મેના રોજ ચેન્નઈમાં ‘ઠગ લાઇફ’ના કાર્યક્રમ દરમિયાન કમલ હાસને કહ્યું:
“કન્નડ ભાષાનું ઉદ્ભવ તામિલ ભાષામાંથી થયું છે. હું તમારું પણ પરિવારજનો સમજીને એ રીતે બોલી રહ્યો છું.”
તેમણે કન્નડ અભિનેતા શિવરાજકુમારનો ઉલ્લેખ કરતા કહ્યું કે “મારું પરિવાર અહીં છે એટલે તેઓ પણ અહીં આવ્યા છે.”
પરિણામ શું થઈ શકે છે?
તેમના નિવેદન પછી કર્ણાટકમાં વિરોધ વધી રહ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવાની માંગ થઈ રહી છે. કમલ હાસન હજુ પણ માફી માંગવાનો ઇનકાર કરે છે અને પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે.