પ્રિયંકા ચોપરાનું નામ ‘ક્રિએટ એન્ડ કલ્ટીવેટ’ના એન્યુઅલ 100 લિસ્ટમાં સામેલ થયું છે. છેલ્લાં ચાર વર્ષથી આ વેબસાઈટ 100 મહિલાઓની યાદી બહાર પાડે છે, જેમાં સફળ તથા પ્રેરણાદાયી મહિલાઓને સામેલ કરવામાં આવે છે. પ્રિયંકા ચોપરાનું નામ એન્ટરટેઈન્મેન્ટ કેટેગરીમાં સામેલ છે. આ કેટેગરીમાં જમીલા જમીલ, લાઈફસ્ટાઈલ ગુરુ મેરી કોન્ડો, સુપરમોડલ ટાયરા બેન્ક્સ સહિતના સેલેબ્સના નામ સામેલ છે.
પ્રિયંકાએ વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતાની કરિયરના અનુભવો શૅર કર્યાં હતાં. એક્ટ્રેસે કહ્યું હતું કે તેણે જ્યારે પણ પરાજયનો સામનો કર્યો ત્યારે તેણે સૌ પહેલાં પરાજયનો સ્વીકાર કર્યો હતો અને તેમાંથી બોધપાઠ લીધો હતો. તેણે અસફળતાના ડરથી કોઈ કામ અધવચ્ચે પડતું મૂક્યું નથી. તેણે પોતાની ક્રિએટિવિટીને દર વખતે ચેલેન્જ કરી છે. તે હંમેશા પોતાને મુશ્કેલભરી પરિસ્થિતિમાં મૂકે છે. આજે દુનિયામાં લોકોની પાસે ઘણી જ તકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ જ તકો અન્ય લોકો પાસે પણ છે એટલે તકનો લાભ ઉઠાવવો હોય તો તરત જ કામ કરવું જોઈએ.
સહજતાથી કંઈ મળતું નથી
વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે પોતાની અંદર શું અલગ છે, તેને સૌ પહેલાં ઓળખવાની જરૂર છે. પોતાની સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. આ જ બાબત તમને સપના પૂરા કરવામાં મદદ કરશે. તેને આ વાત બહુ પહેલાં સમજાઈ ગઈ હતી કે કંઈ પણ સરળતાથી મળતું નથી. નસીબ કામમાં આવે છે પરંતુ તેનો અર્થ એવો નથી કે મહેનત કરવામાં ના આવે.