હૈદરાબાદની સાઈદરાબાદ પોલીસે શાહરુખ ખાન, અનિલ કપૂર અને ક્રિકેટર યુવરાજ સિંહ સહિત 500 લોકો વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ભારતમાં ગેરકાયદેસર જાહેર થયેલી QNet કંપની સાથે જોડાયેલા છે અને તેમનું પ્રમોશન કરે છે. સાઈદરાબાદની ઇકોનોમિક ઓફેન્સ વિંગના કમિશ્નરે જણાવ્યું કે, અભિનેત્રી પૂજા હેગડે અને અલ્લૂ સિરીશ વિરુદ્ધ પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. એક્ટર્સ સિવાય કંપનીના ડાયરેક્ટર, શેરહોલ્ડર્સ અને સીઈઓને નોટિસ મોકલાઈ છે.
નોટિસમાં એક્ટર્સે એક અઠવાડિયાની અંદર સાઈદરાબાદ પોલીસ સામે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખુલાસો કરવો પડશે કે તેઓ કેમ પ્રમોશન કરે છે અને તેમની સાથે શા માટે જોડાયેલા છે? જો તેઓ નક્કી કરેલા સમયમાં હાજર નહીં થાય તો પોલીસ તેમના વિરુદ્ધ એક્શન લેશે. પોલીસે QNet કંપની અને વિહાન ડાયરેક્ટ સેલિંગ કંપની વિરુદ્ધ છેતરપિંડીના કેટલાયે કિસ્સાઓની નોંધ કરી છે અને ચીટિંગ મામલે કેટલાયે લોકોની ધરપકડ કરી છે.
QNet હોંગકોંગની એક માર્કેટિંગ કંપની છે. કંપનીએ દાવો કર્યો હતો કે, તે વિહાન સેલિંગ ફ્રેન્ચાઈઝ હેઠળ ભારતમાં કાયદેસર રીતે કામ કરી રહી છે, પણ જાન્યુઆરીમાં સાઈદરાબાદ પોલીસે 58 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પર આરોપ હતા કે તેઓ ગેરકાયદેસર રીતે ચાલતી આ કંપની માટે લોકોને છેતરે છે.