મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે પછી તેમણે ક્યારેય રાજકારણમાં ન પ્રવેશવાનો નિર્ણય કર્યો છે. રજનીકાંતે તેમની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ સમાપ્ત કરી દીધી છે. આ સાથે રજનીકાંતે કહ્યું છે કે તેઓ રાજકારણમાં હવે ક્યારેય નહીં આવે.
રજનીકાંતનું નિવેદન
રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ખતમ કરતા કહ્યું કે, મારે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાની કોઈ યોજના નથી. હું રાજકારણમાં પ્રવેશવા જઇ રહ્યો નથી. ” રજની મક્કલ મંદ્રમ ‘પાર્ટીના પદાધિકારીઓ સાથે વાત કર્યા પછી રજનીકાંતે આ નિર્ણય લીધો છે. રજનીકાંતે તેના ચાહકો સાથે પણ બેઠક યોજી છે.
ઉલ્લેખનીય છે કે, 20, માર્ચ 2020માં રજનીકાંતે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની રાજકીય યોજનાઓ જાહેર કરી હતી. રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ એક પાર્ટી બનાવી રહ્યા છે જેમાં સરકાર અને પાર્ટી અલગથી કામ કરશે. તેઓ પક્ષના નેતા બનશે, પરંતુ મુખ્યમંત્રી નહીં બને. તેમના પક્ષનો નિયમ હશે કે જે પણ નેતા પક્ષના નેતા હશે, તે ક્યારેય સરકારનો ભાગ નહીં બની શકે.
તે સમયે રજનીકાંતે વધુમાં કહ્યું હતું કે, 1996 થી મારા રાજકારણમાં આવવાના અહેવાલો આવી રહ્યા છે. પરંતુ 31 ડિસેમ્બર 2017ના રોજ મેં કહ્યું હતું કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ. તેથી, કૃપા કરીને કહેવાનું બંધ કરો કે હું છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં આવવાનો પ્રયાસ કરી રહ્યો છું. ત્યારે કહી શકાય કે, રાજકારણમાં સક્રિય થવા અંગે રજનીકાંતે જાહેરાત કરી તેના એક વર્ષ બાદ જ તેમણે રાજકારણ છોડી દેવાનું નક્કી કર્યું છે. આ સાથે જ હવે તેઓએ ક્યારેય રાજકારણમાં નહીં જોડાવાનું પણ નક્કી કરી લીધું છે.