બોલીવુડ અભિનેતા આલોકનાથ સામે નોંધવામાં આવેલી ફરિયાદ વિન્તા નંદાના બોગસ અને બદનક્ષીપૂર્ણ રિપોર્ટના આધારે થયેલી હોવાનું જણાવીને મુંબઈની સેશન્સ કોર્ટે જામીન આપી દીધા છે.
આલોકનાથને કોર્ટે પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપી છે. એડિશનલ સેશન્સ જજ એસએસ ઓઝાએ જામીન મંજૂર કરતા જણાવ્યું હતું કે, સ્ક્રીન રાઈટર વિન્તા નંદાએ અંગત અદાવત રાખીને આલોકનાથ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. નંદાએ તેમના આલોકનાથ પ્રત્યેના ‘જેનો બદલો મળવાનો નથી અને જેમાં કોઈ પ્રતિસાદ મળનાર નથી તેવા પ્રેમથી’ પ્રેરાઈને આ આરોપ મૂક્યો છે. એક્ટર સામે બદનક્ષીપૂર્ણ, ખોટી, અપમાનજનક, ખરાબ ચીતરતી અને કાલ્પનિક બનાવો ઘડીને આ પ્રકારની ફરિયાદ કરવામાં આવેલ છે.
કોર્ટેના નિર્ણય મુજબ, નંદા આલોકનાથ પ્રત્યેના એક તરફી પ્રેમને કારણે પક્ષપાત ધરાવે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે, ૧૯૮૦ના દાયકામાં ચંડીગઢમાં આલોકનાથનાં પત્ની આશુ સાથે નંદા એક કોલેજમાં ભણતાં હતાં અને બંને એકબીજાથી સારી રીતે પરિચિત હતાં. બંને જણ મુંબઈમાં ટેલિવિઝન સિરિયલમાં કામ કરતાં હતાં અને તેઓ ૮૦ના દાયકામાં આલોકનાથને મળ્યા હતાં. જે પછી તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. નાથે ૧૯૮૭માં આશુને પ્રપોઝ કર્યું હતું અને તેઓ પરણી ગયા હતાં. તે પછી નંદાને એમ લાગવા માંડ્યું હતું કે આલોકનાથે તેને એકલી પાડી દીધી છે અને તેણે બેસ્ટ ફ્રેન્ડ ગુમાવી દીધી છે.