Sharmistha Panoli: ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લ્યુએન્સર શર્મિષ્ઠા પનોલી કોણ છે? વિવાદાસ્પદ વીડિયો મામલે કોલકાતા પોલીસે ગુરુગ્રામથી કરી ધરપકડ
Sharmistha Panoli: કોલકાતા પોલીસે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લ્યુએન્સર શર્મિષ્ઠા પનોલીની હરિયાણાના ગુરુગ્રામમાંથી ધરપકડ કરી છે અને તેમને 13 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપ છે કે તેમણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા એક વિડીયો દ્વારા એક ખાસ ધર્મ સામે આક્ષેપજનક ટિપ્પણી કરી હતી.
શું છે આખો મામલો?
Sharmistha Panoli, જે પુણેની લૉ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેમને સોશિયલ મીડિયા પર લાખો અનુયાયીઓ છે. 14 મે, 2025ના રોજ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે એક પાકિસ્તાની ફૉલોવર દ્વારા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહેલું કે બોલિવૂડ કલાકારો ઓપરેશન સિંદૂર મુદ્દે શા માટે ચૂપ છે. આ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીથી ઘણા લોકો નારાજ થયા હતા.
વિડિયો વાયરલ થયા પછી અનેક મુસ્લિમ યુઝર્સે તેમના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવાની માંગ કરી હતી. ઘણી ઝેરભરેલી કોમેન્ટ્સ આવી હતી, જેમાં દુષ્કર્મ અને હતારૂપી ધમકી પણ સામેલ હતી. પરિણામે, શર્મિષ્ઠાએ વીડિયો ડિલીટ કરીને માફી પણ માંગી હતી.
કાયદાકીય કાર્યવાહી અને હાલની સ્થિતિ
ફરિયાદ બાદ, કોલકાતા પોલીસે શર્મિષ્ઠા અને તેના પરિવારને નોટિસ ફટકારી હતી, પરંતુ તેઓ હાજર ન થયા, જેના કારણે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેના વકીલ મોહમ્મદ શમીમુદ્દીને કોર્ટને જણાવ્યું હતું કે આ આખો કેસ ખોટો છે અને શર્મિષ્ઠાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.
પોલીસે શર્મિષ્ઠાનો ફોન અને લેપટોપ જપ્ત કર્યો છે અને તપાસ કરી રહી છે કે ક્યાય કોઈ એડિટેડ વીડિયો છે કે કેમ. વકીલએ જણાવ્યું કે એક જ ગુના માટે એકથી વધુ FIR ન થઈ શકે, જે અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોર્ટમાં પોલીસ કસ્ટડીની માંગ અને જામીનની અરજી – બન્ને ખારીજ કરવામાં આવી છે અને શર્મિષ્ઠાને 13 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.