બોલિવૂડ સ્ટાર સોનાલી બેન્દ્રેને ગયા વર્ષે કેન્સર હોવાની જાણ થઈ હતી. હાલમાં જ સોનાલીએ જાણીતા ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાને કેન્સર હોવાની જાણ થઈ ત્યારે કેવું લાગ્યું તે અંગે વિગતે વાત કરી હતી. ફોટોશૂટમાં સોનાલીનો 20 ઈંચ લાંબો કટ જોઈ શકાય છે. બાલ્ડ લુકમાં પણ સોનાલી ઘણી જ સુંદર લાગે છે. હવે તો સોનાલીને થોડાં થોડાં વાળ પણ આવી ગયા છે.
સોનાલીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને પહેલો વિચાર આવ્યો હતો કે આ વાત છુપાવીને રાખું કારણ કે આ એક બીમારી હતી. મનમાં થયું કે તેની બ્રાન્ડ પતી ગઈ છે. તે અનેક હેલ્ધી ઈટિંગ્સ તથા હેલ્ધી ફોક્સ પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી અને અચાનક તેને લાગ્યું કે તેના હાથમાંથી બધું જ જતું રહ્યું છે. જ્યારે કેન્સર નિષ્ણાત ડોક્ટર્સે તેને કહ્યું કે તેને ચોથા સ્ટેજનું કેન્સર છે અને તેના બચવાના ચાન્સ માત્ર 30 ટકા જ છે, તો તેની આખી દુનિયા બદલાઈ ગઈ. અચાનક તેને લાગ્યું કે તેણે આ અંગે વાત કરવી જોઈએ. કેન્સર થયું તેમાં તેનો કોઈ જ વાંક નહોતો, તો શા માટે તે આ વાત છુપાવે?
સોનાલીએ કહ્યું હતું કે જ્યારે તેના વાળ જતા રહ્યાં ત્યારે તે ઘણી જ દુઃખી થઈ હતી. તે પોતાની નવી જ વાત કહેવા માંગતી હતી. તે વાળ કપાવવા ગઈ તે પહેલાં પોતાની ગર્લ ગેંગ સાથે શેમ્પેઈન પીધું હતું અને પછી તેણે હેર કટ કરાવ્યા હતાં. પહેલાં તે કેપ, સ્કાર્ફ કે પછી વિગ પહેરવા માંગતી હતી પરંતુ તેને આ પસંદ આવ્યું નહીં. તેને ખ્યાલ હતો કે જો તેણે આ વાતનો સ્વીકાર કરવો હશે તો તેણે વાળ વગરની તસવીરો સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરવી જ પડશે. તમે એકવાર આ રીતે તસવીરો પોસ્ટ કરો તો તમે તમારી જાતને ફ્રી ફિલ કરો છો. તેને હંમેશા ગ્લેમરસ દેખાવું પસંદ હતું. આમ પણ કોને સારું દેખાવું ગમે નહીં. જોકે, હવે તેને સહેજ પણ ખરાબ હોવાનું ફિલ થતું નથી.
ગયા વર્ષે ચાર જુલાઈના રોજ સોનાલીએ સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેને ચોથા તબક્કાનું કેન્સર છે અને કહ્યું હતું કે તેને મેટાસ્ટેટિક કેન્સર છે. આ કેન્સરનું ગંભીર સ્વરૂપ છે. આવી સ્થિતિમાં કેન્સર ઝડપથી શરીરની અંદર ફેલાય છે. આને ફોર્થ સ્ટેજનું કેન્સર પણ કહી સકાય છે. કેન્સર સેલ્સ શરીરના એકથી બીજા હિસ્સામાં ફેલાવવાની પ્રક્રિયાની મેટાસ્ટેટિક કહેવામાં આવે છે.