The India House: ધ ઈન્ડિયા હાઉસ’ના સેટ પર પાણીની ટાંકી ફાટતાં કેમેરામેનને ગંભીર ઇજા
The India House: સાઉથ સુપરસ્ટાર રામ ચરણના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ ‘ધ ઈન્ડિયા હાઉસ’ના સેટ પર એક ગંભીર અકસ્માત થયો છે. શમશાબાદ ખાતે ચાલી રહેલા શૂટિંગ દરમિયાન પાણીની મોટી ટાંકી ફાટતા એક સહાયક કેમેરામેન ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે અન્ય ઘણા લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.
શૂટિંગ દરમિયાન દુર્ઘટના
હાલમાં શમશાબાદમાં ફિલ્મના દરિયાઈ દ્રશ્યોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સેટ પર વાપરવામાં આવતી એક કૃત્રિમ પાણીની ટાંકી અચાનક ફાટી ગઈ. ભારે પાણીના પ્રવાહના કારણે સેટ પર અફરાતફરી સર્જાઈ હતી. માહિતી મુજબ, એક સહાયક કેમેરામેનને ગંભીર ઈજાઓ થઈ છે અને ક્રૂના કેટલાક અન્ય સભ્યોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે.
સેટ અને સાધનોને નુકસાન
અકસ્માત પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં સેટ પર પાણી ભરાઈ ગયું હોય તેવા દૃશ્યો જોવા મળે છે. ક્રૂ મેમ્બર્સ સાદનો અને મશીનરી બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પાણીના કારણે પ્રોપ્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોને પણ મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી
હજુ સુધી રામ ચરણના પ્રોડક્શન હાઉસ અથવા ફિલ્મની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, શમશાબાદ પોલીસે પણ હજુ સુધી આ ઘટનાનું ઔપચારિક રિપોર્ટ પ્રાપ્ત કર્યો નથી.
ફિલ્મ અંગે વિગતો
‘ધ ઈન્ડિયા હાઉસ’ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જે ભારતના સ્વતંત્રતા સંગ્રામના પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ, સાઈ માંજરેકર અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં છે. નિર્દેશન રામ વંશી કૃષ્ણનું છે, અને આ તેમનું ડિરેક્ટોરિયલ ડેબ્યુ છે.
‘ધ ઈન્ડિયા હાઉસ’ના સેટ પર બનેલી ઘટનાએ શૂટિંગમાં વિક્ષેપ પાડ્યો છે અને ઘાયલોના પરિવારો અને સમગ્ર ફિલ્મ યુનિટમાં ચિંતા ફેલાવી છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ ઘટના રામ ચરણ કે મુખ્ય કલાકારો હાજર હતા ત્યારે બની હતી.