શું તમારો પણ EPF ક્લેમ 20 દિવસથી પેન્ડિંગ છે? જાણો શા માટે EPFOમાં અટવાયા લાખો કર્મચારીઓના પૈસા
દેશના કરોડો નોકરીયાત વર્ગ માટે નિવૃત્તિ ભંડોળ અને નાણાકીય સુવિધાઓ પૂરી પાડતી સંસ્થા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હાલ ગંભીર ટેકનિકલ અને વહીવટી પડકારોનો સામનો કરી રહી છે. નવીનતમ ટેકનોલોજી અને ડિજિટાઈઝેશન અપનાવવા છતાં, લાખો કર્મચારીઓના પીએફ (PF) અને પેન્શન ક્લેમ ૨૦ દિવસ કરતાં વધુ સમયથી પેન્ડિંગ પડ્યા છે. ઈપીએફ અધિકારીઓના સંગઠને આ ગંભીર પરિસ્થિતિ અંગે શ્રમ અને રોજગાર મંત્રીને પત્ર લખીને સિસ્ટમમાં રહેલી ખામીઓ અને સ્ટાફની અછત તરફ ધ્યાન દોર્યું છે.
નવી CITES આઈટી સિસ્ટમના અમલીકરણમાં વિલંબ
સંગઠનના જણાવ્યા અનુસાર, નવી સેન્ટ્રલાઇઝ્ડ આઈટી ઇનેબલ્ડ સિસ્ટમ (CITES) નો મુખ્ય હેતુ મોટાભાગના પીએફ ક્લેમને માત્ર ૨ થી ૩ દિવસમાં ઓટોમેટિક રીતે પ્રોસેસ કરીને ગ્રાહકના ખાતામાં નાણાં જમા કરવાનો હતો. આ પ્રોજેક્ટ જાન્યુઆરી ૨૦૨૩ માં સી-ડીએસી (C-DAC) ને સોંપવામાં આવ્યો હતો અને તેને ૧૦ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ પ્રોજેક્ટના વિકાસમાં નોંધપાત્ર વિલંબ થયો અને જુલાઈ ૨૦૨૬ થી તેને તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ટેકનિકલ ખામીઓના કારણે જે ક્લેમ આપમેળે નિકાલ પામવા જોઈતા હતા, તે પણ અઠવાડિયાઓ સુધી અટકેલા રહ્યા છે.

૨૨ વર્ષથી આઈટી વિભાગમાં નવી સીધી ભરતી થઈ નથી
ઈપીએફઓ અધિકારી મંડળે જે સૌથી ચોંકાવનારો ખુલાસો કર્યો છે તે મુજબ, ઈપીએફઓના ઈન્ફોર્મેશન સર્વિસ ડિવિઝન (ISD) માં છેલ્લે વર્ષ ૨૦૦૪ માં સીધી ભરતી કરવામાં આવી હતી. એટલે કે છેલ્લા ૨૨ વર્ષથી આ મહત્વપૂર્ણ આઈટી ડિવિઝનમાં કોઈ નવી ભરતી થઈ નથી. આ સિવાય છેલ્લા ૩ વર્ષથી સંસ્થા પાસે કોઈ પૂર્ણકાલીન ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) પણ નથી. પૂરતા આઈટી નિષ્ણાતો અને ટેકનિકલ નેતૃત્વ વગર સંસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના પ્રયાસો ખોરવાઈ રહ્યા છે.
સભ્યોની સંખ્યામાં પ્રચંડ વધારો, પરંતુ સ્ટાફ ૨૦૦૮ ના સ્તરે
અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્તમાન કામના ભારણની સરખામણીએ સ્ટાફની સંખ્યા અત્યંત ઓછી છે. સંસ્થામાં હાલ કર્મચારીઓની ક્ષમતા માર્ચ ૨૦૦૮ ના સ્તર જેટલી જ જળવાઈ રહી છે, જ્યારે છેલ્લા બે દાયકામાં પીએફ સભ્યોની સંખ્યા અને દૈનિક ફરિયાદોમાં અનેકગણો વધારો થયો છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ગુરુગ્રામ જેવા મોટા ઔદ્યોગિક શહેરોની ફિલ્ડ ઓફિસો પર કામનું અતિશય દબાણ છે.

પેન્શન યોજનામાં સુધારા અને મજબૂત માળખાની માંગ
ઈપીએફ અધિકારી સંગઠને શ્રમ મંત્રી તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને પત્ર પાઠવીને કર્મચારી પેન્શન યોજના (EPS) ની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે જરૂરી ફેરફારો કરવાની માંગ કરી છે. ઈપીએફઓને આધુનિક અને ગ્રાહક-કેન્દ્રી નાણાકીય સંસ્થા બનાવવા માટે કાયમી ટેકનિકલ નિષ્ણાતોની નિમણૂક, સ્ટાફની નવી ભરતી અને મજબૂત આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની તાતી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.