₹૨ લાખનું એકસાથે રોકાણ કે ₹૨,૦૦૦ ની SIP? બાળકના ભવિષ્ય માટે કયો વિકલ્પ બેસ્ટ?
બાળકોના સારા ભવિષ્ય, ઉચ્ચ શિક્ષણ, કોલેજ કે વિદેશમાં કરિયર માટે સમયસર નાણાકીય આયોજન કરવું અત્યંત જરૂરી છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેના ભવિષ્યના ખર્ચાઓ દૂરની વાત લાગે છે, પરંતુ ૧૫ થી ૨૦ વર્ષનો સમય ખૂબ જ ઝડપથી નીકળી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે રોકાણ શરૂ કરવાનો વારો આવે છે, ત્યારે મોટાભાગના માતા-પિતા એ મૂંઝવણમાં હોય છે કે એકસાથે ₹૨ લાખનું લંપસમ (Lumpsum) રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે કે દર મહિને ₹૨,૦૦૦ ની એસઆઈપી (SIP) શરૂ કરવી?
માર્કેટ નિષ્ણાતોના મતે ૧૫ થી ૨૫ વર્ષના ગાળા માટે બંને રોકાણ પદ્ધતિઓની ચોક્કસ ગણતરી અને તેના ફાયદાઓ સમજીને નિર્ણય લેવો હિતાવહ છે.
૧૫, ૨૦ અને ૨૫ વર્ષની ગણતરી અને મળતું રિટર્ન
ધારી લઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક સરેરાશ ૧૨% નો અંદાજિત વળતર દર મળે છે. જો તમે દર મહિને ₹૨,૦૦૦ ની એસઆઈપી કરો છો, તો ૧૫ વર્ષમાં તમારું કુલ રોકાણ ₹૩.૬૦ લાખ થશે અને અંદાજિત ફંડ ₹૧૦.૦૯ લાખ બનશે. ૨૦ વર્ષમાં ₹૪.૮૦ લાખના રોકાણ સામે ₹૧૯.૯૮ લાખ અને ૨૫ વર્ષમાં ₹૬.૦૦ લાખના કુલ રોકાણ સામે ₹૩૭.૯૫ લાખનું મોટું ફંડ તૈયાર થઈ શકે છે.
બીજી તરફ, જો તમે આજે એકસાથે ₹૨ લાખનું લંપસમ રોકાણ કરો છો, તો ૧૫ વર્ષમાં ૧૨% રિટર્નના હિસાબે આ રકમ વધીને ₹૧૦.૯૫ લાખ થઈ જાય છે (જેમાં ₹૮.૯૫ લાખ માત્ર નફો છે). ૨૦ વર્ષમાં આ રકમ ₹૧૯.૨૯ લાખ અને ૨૫ વર્ષમાં વધીને ₹૩૪.૦૦ લાખ થઈ જાય છે (જેમાં અંદાજિત નફો ₹૩૨.૦૦ લાખ રહે છે).

સરખામણીમાં કયો વિકલ્પ વધુ સારો?
૧૫ વર્ષના સમયગાળામાં ₹૨ લાખનું લંપસમ રોકાણ એ ₹૨,૦૦૦ ની એસઆઈપી કરતા થોડું આગળ દેખાય છે, કારણ કે લંપસમમાં પૂરેપૂરી રકમ પર પ્રથમ દિવસથી જ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) નો લાભ મળે છે. પરંતુ જેમ-જેમ સમય ૨૫ વર્ષ તરફ વધે છે, તેમ-તેમ એસઆઈપીનું ફંડ મોટું થતું જાય છે. આનું કારણ એ છે કે એસઆઈપીમાં દર મહિને નવી રકમ ઉમેરાતી રહે છે. ૨૫ વર્ષમાં એસઆઈપી દ્વારા તમે કુલ ₹૬ લાખ રોક્યા છે, જ્યારે લંપસમમાં માત્ર ₹૨ લાખ જ રોકાયેલા રહ્યા છે. તેથી સરખામણી કરતી વખતે ફક્ત છેલ્લી રકમ જ નહીં પણ તમારા ખિસ્સામાંથી ગયેલું કુલ રોકાણ પણ ધ્યાને લેવું જરૂરી છે.

તમારા માટે કયો માર્ગ યોગ્ય છે?
જો તમને ઓફિસમાંથી કોઈ બોનસ મળ્યું હોય, જૂની પ્રોપર્ટી વેચાઈ હોય કે કોઈ એફડી (FD) મેચ્યોર થઈ હોય અને આ રકમની આગામી ૧૫-૨૦ વર્ષ સુધી જરૂર ન હોય, તો ₹૨ લાખનું લંપસમ રોકાણ કરી દેવું શ્રેષ્ઠ છે. તેનાથી બેંક ખાતામાં પડ્યા રહેતા નાણાં પર પહેલા જ દિવસથી કમ્પાઉન્ડિંગનો લાભ મળશે.
બીજી તરફ, જો તમારી પાસે એકસાથે મોટી રકમ નથી, પણ માસિક આવકમાંથી બચત થાય છે, તો દર મહિને ₹૨,૦૦૦ ની એસઆઈપી સૌથી ઉત્તમ વિકલ્પ છે. આનાથી ઘરનું બજેટ પણ ખોરવાતું નથી અને માર્કેટના ઉતાર-ચઢાવનો લાભ (Rupee Cost Averaging) પણ મળે છે. જો તમારી પાસે ₹૨ લાખ પણ હોય અને માસિક ₹૨,૦૦૦ ની ક્ષમતા પણ હોય, તો તમે બંને વિકલ્પો ભેગા કરીને રોકાણ બેગણી ઝડપે વધારી શકો છો.
સારા ફંડ કરતા ‘સમય’ નું મહત્વ વધુ
ઘણા લોકો શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવામાં જ મહિનાઓ કે વર્ષો વિતાવી દે છે અને રોકાણ કરવામાં મોડું કરે છે. નાણાકીય નિષ્ણાતોના મતે, યોગ્ય ફંડ કરતાં પણ વધુ તાકાત ‘સમય’ માં હોય છે. જો બાળક અત્યારે ૩ કે ૪ વર્ષનું હોય અને આજે જ રોકાણ શરૂ કરી દેવામાં આવે, તો તમારી પાસે ૧૫ થી ૨૦ વર્ષનો લાંબો સમયગાળો મળે છે. આ સમય જ નાની રકમને વિશાળ ભંડારમાં ફેરવી દે છે. તેથી આવતા વર્ષથી શરૂ કરીશું તેવું વિચારીને મોડું કરવાને બદલે આજે જ નાની રકમથી પણ રોકાણ શરૂ કરવું એ જ બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવાની સાચી દિશા છે.