કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ૮મા પગાર પંચ (8th Pay Commission) ની ગતિવિધિઓ હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બનેલી છે. કર્મચારી સંગઠનોથી લઈને પેન્શનર ફોરમ સુધી સર્વત્ર એક જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરવામાં આવશે. જો કેન્દ્ર સરકાર કર્મચારી સંગઠનોની માંગણી સ્વીકારીને ૪.૦ ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરે છે, તો હાલનો લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) ₹૧૮,૦૦૦ થી વધીને સીધો ₹૭૨,૦૦૦ ના મથાળે પહોંચી શકે છે.
જોકે, કર્મચારીઓએ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ આંકડો ફક્ત કર્મચારી મંડળોની માંગણીઓ અને વિવિધ ગણતરીઓ પર આધારિત અંદાજ છે. સરકાર કે ૮મા પગાર પંચ દ્વારા હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર નિર્ણય કે જાહેરાત કરવામાં આવી નથી.
ફિટમેન્ટ ફેક્ટર એટલે શું અને તે કેવી રીતે કામ કરે છે?
સામાન્ય ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક કે મલ્ટિપ્લાયર છે, જેના દ્વારા કર્મચારીના હાલના મૂળ પગારને ગુણીને નવા પગાર માળખા (New Pay Matrix) માં સુધારેલો બેઝિક સેલેરી નક્કી કરવામાં આવે છે. જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે, ત્યારે કર્મચારીનો નવો મૂળ પગાર આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જ નક્કી થતો હોય છે.
ઉદાહરણ તરીકે, જો કેન્દ્ર સરકારના કોઈ કર્મચારીનો વર્તમાન મૂળ પગાર ₹૧૮,૦૦૦ છે અને ૮મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૪.૦ નક્કી થાય છે, તો રૂ. ૧૮,૦૦૦ × ૪.૦ કરતાં નવો બેઝિક સેલેરી ₹૭૨,૦૦૦ થઈ જશે. આ જ કારણે કર્મચારીઓમાં ૪.૦ ના ફિટમેન્ટ ફેક્ટરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૩.૮૩ અને ૪.૦ ફિટમેન્ટ ફેક્ટર વચ્ચે શું છે તફાવત?
૮મા પગાર પંચની ભલામણો સંદર્ભે અલગ-અલગ કર્મચારી યુનિયનો દ્વારા અલગ-અલગ દરખાસ્તો મૂકવામાં આવી છે. ૪.૦ ની માંગણી ઉપરાંત કેટલાક સંગઠનોએ ૩.૮૩ ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ પણ કરી છે.
જો સરકાર ૩.૮૩ નું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરે છે, તો ₹૧૮,૦૦૦ નો હાલનો મૂળ પગાર વધીને આશરે ₹૬૮,૯૪૦ થશે. આમ, ૩.૮૩ ના ફિટમેન્ટ ફેક્ટરમાં મૂળ પગાર ₹૬૮,૯૪૦ થાય છે, જ્યારે ૪.૦ ના ફિટમેન્ટ ફેક્ટરમાં તે વધીને ₹૭૨,૦૦૦ થાય છે. બંને વિકલ્પો વચ્ચે દર મહિને આશરે ₹૩,૦૬૦ ના બેઝિક સેલેરીનો તફાવત રહે છે.
તુલનાત્મક રીતે જોઈએ તો, ૭મા પગાર પંચ વખતે ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ નક્કી કરવામાં આવ્યું હતું, જેના કારણે લઘુત્તમ બેઝિક સેલેરી ₹૭,૦૦૦ થી વધીને ₹૧૮,૦૦૦ થયો હતો. તે પહેલાં ૬ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૧.૮૬ રાખવામાં આવ્યું હતું.
શું ઇન-હેન્ડ (હાથમાં મળતો) આખો પગાર ₹૭૨,૦૦૦ થઈ જશે?
ઘણા કર્મચારીઓમાં એવી ગેરસમજ જોવા મળે છે કે ૪.૦ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થતાં જ તેમના હાથમાં આવતો કુલ સેલેરી ₹૭૨,૦૦૦ થઈ જશે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ₹૭૨,૦૦૦ એ ફક્ત કર્મચારીનો સુધારેલો ‘મૂળ પગાર’ (Basic Pay) હશે.
એકવાર નવો મૂળ પગાર નક્કી થઈ જાય, ત્યારપછી તેના પર મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડા ભથ્થું (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA) અને અન્ય સત્તાવાર ભથ્થાં ઉમેરવામાં આવશે. નવું પગાર પંચ લાગુ કરતી વખતે હાલનું એકત્રિત મોંઘવારી ભથ્થું શૂન્ય (Reset) કરી દેવામાં આવે છે અને નવા મૂળ પગાર પર નવેસરથી ડીએ ગણવામાં આવે છે. આથી, તમામ ભથ્થાં ઉમેરાયા પછી અને પ્રોવિડન્ટ ફંડ (PF) કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નું કપાત થયા બાદ કર્મચારીનો કુલ ગ્રોસ અને નેટ (In-hand) સેલેરી અલગ-અલગ હોઈ શકે છે.
