ફખર ઝમાન બચી ગયો! બોલ ટેમ્પરિંગ વિવાદમાં PCB એ દાખવી નરમાશ, ઓસ્ટ્રેલિયા જેવી કડક સજા નહીં

3 Min Read

PSL 2026: ફખર ઝમાનને બોલ ટેમ્પરિંગ બદલ શું સજા થશે? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નરમ નીતિ સામે ઉઠ્યા સવાલો

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન સર્જાયેલા બોલ ટેમ્પરિંગ વિવાદે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. પાકિસ્તાનના સિનિયર બેટ્સમેન ફખર ઝમાન પર બોલની સ્થિતિ સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જોકે, સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આ ગુના માટે જે સજાની જોગવાઈ છે, તે આંતરરાષ્ટ્રીય ધોરણો અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ‘સેન્ડપેપર ગેટ’ કાંડની સરખામણીએ અત્યંત ઓછી છે.

 fakar zamal.jpg

- Advertisement -

શું બની હતી ઘટના? અમ્પાયરોએ કેમ લીધો એક્શન?

રવિવારે રમાયેલી મેચમાં જ્યારે છેલ્લી ઓવર શરૂ થવાની હતી, ત્યારે મેદાન પરના અમ્પાયરો ફૈઝલ આફ્રિદી અને શરફુદ્દૌલાએ જોયું કે બોલની કન્ડિશન અચાનક બદલાઈ ગઈ છે. અમ્પાયરોની કડક દેખરેખ હેઠળ શાહીન આફ્રિદી, હારિસ રૌફ અને ફખર ઝમાન વાતચીત કરી રહ્યા હતા ત્યારે આ ગેરરીતિ પકડાઈ હતી. અમ્પાયરોએ તુરંત જ લાહોરની ટીમ પર 5 રનનો દંડ ફટકાર્યો અને બોલ બદલી નાખ્યો, જેના કારણે કરાચીને જીતવા માટે 14 ને બદલે માત્ર 9 રનની જરૂર પડી હતી. PSL ના નિયમ મુજબ, બેટ્સમેનને છ વપરાયેલા બોલમાંથી નવો બોલ પસંદ કરવાની તક પણ આપવામાં આવી હતી.

સજાની જોગવાઈ: સેન્ડપેપર ગેટ વિરુદ્ધ PCB ના નિયમો

PCB એ પુષ્ટિ કરી છે કે ફખર ઝમાન પર લેવલ 3 ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, ફખર ઝમાને મેચ રેફરી રોશન મહાનામા સમક્ષ આ આરોપોને નકારી દીધા છે. હવે આ મામલે અંતિમ ફેંસલો 31 માર્ચ સુધીમાં આવવાની શક્યતા છે.

- Advertisement -

રસપ્રદ વાત એ છે કે, PSL ની આચાર સંહિતા મુજબ લેવલ 3 ના ગુના માટે પ્રથમ વખતની ભૂલ પર માત્ર એક કે બે મેચનો પ્રતિબંધ જ લાદવામાં આવે છે. આ સજા 2018 ના કુખ્યાત ‘સેન્ડપેપર ગેટ’ ની સરખામણીએ કંઈ જ નથી. તે સમયે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧૨ મહિનાનો (એક વર્ષનો) પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે કેમેરૂન બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. વોર્નર પર તો ભવિષ્યમાં ક્યારેય કેપ્ટન ન બનવાનો આજીવન પ્રતિબંધ પણ મૂકાયો હતો. તેની સામે ફખરને મળનારી સજા ઘણી નરમ ગણાઈ રહી છે.

fakar zamal1.jpg

ટીમ મેનેજમેન્ટ અને શાહીન આફ્રિદીનો પક્ષ

મેચ પછીના પ્રેઝન્ટેશનમાં લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ જણાવ્યું હતું કે તેઓ ડ્રેસિંગ રૂમમાં જઈને વીડિયો ફૂટેજની તપાસ કરશે કે અમ્પાયરોએ કયા આધારે આ નિર્ણય લીધો છે. ફખર ઝમાનના આ કેસની સુનાવણી આગામી 48 કલાકમાં થશે. જો તે દોષી સાબિત થાય છે, તો લાહોરની ટીમ માટે આ મોટો ફટકો હશે, કારણ કે ફખર તેમનો મુખ્ય બેટ્સમેન છે.

- Advertisement -
TAGGED:
Share This Article