મહાનગરપાલિકાનો નિર્ણય: તમામ ઇમારતો માટે સર્ટિફિકેટ આવશ્યક
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આગ સામેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરની દરેક પ્રકારની ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બની ગયું છે. નક્કી કરાયેલ સમયગાળામાં તેનું નવું આવેદન, સમયસર રિન્યુઅલ તથા જરૂરી જાળવણી ન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
ઇમારતો માટે નિયમો લાગુ
આ નિયમ હોટેલ, એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, શાળાઓ, નર્સિંગ હોમ્સ, મોલ્સ, સિનેમા હોલ્સ, મેટ્રો સ્ટેશનો, ઓફિસો, ગોડાઉન તેમજ વિસ્ફોટક સામગ્રીના સ્ટોરેજ જેવી તમામ પ્રકારની ઇમારતો પર લાગુ પડશે. રાજ્ય સરકારે 8 જુલાઈ 2021ના નોટિફિકેશન અને શિડ્યુલ-03 હેઠળ આ નિયમને આવરી લેવાયો છે.
ફાયર સેફ્ટી પોર્ટલ દ્વારા ઓનલાઇન પ્રક્રિયા ફરજિયાત
ગુજરાત સરકારના નિર્દેશ મુજબ તમામ ફાયર સેફ્ટી સંબંધિત અરજીઓ માટે ખાસ ઓનલાઈન પોર્ટલ http://gujfiresafetyco.in અમલમાં છે. અહીંથી નીચેના કામગીરીઓ કરાવવી ફરજિયાત છે:
ફાયર પ્લાન મંજুરી (FSPA)
સર્ટિફિકેટ મંજૂરી (FSCA)
સર્ટિફિકેટ રિન્યુઅલ (FSCR)
તાત્કાલિક બંધારણ માટે મંજૂરી (FSCAT)
તાલીમ શીબિર અને મૉક ડ્રિલ અનિવાર્ય
માત્ર કાગળ પર સર્ટિફિકેટ મેળવવાથી હવે ચાલશે નહીં. તમામ સંસ્થાઓ માટે તેમના કર્મચારીઓને નિયમિત ફાયર સેફ્ટી તાલીમ આપવી અને અગ્નિ અકસ્માતની સ્થિતિમાં કેવી કાર્યવાહી કરવી તેની મૉક ડ્રિલ પણ અનિવાર્ય કરાઈ છે.
ફાયર અધિકારી દ્વારા જ રિન્યુઅલ માન્ય રહેશે
ફાયર સર્ટિફિકેટનું રિન્યુઅલ માત્ર રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ફાયર સેફ્ટી ઓફિસર (FSO) દ્વારા જ કરાવવું પડશે. તેમાં પણ ઓનલાઈન પોર્ટલ મારફતે પ્રક્રિયા કરવી ફરજિયાત છે. કોઈપણ પ્રકારના કાગદી ચોપડાના આધાર પર માન્યતા નહીં અપાય.
જવાબદારી માલિકોની હશે, ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર પગલાં
ફાયર સેફ્ટી સિસ્ટમ જાળવવી, તેનું કાર્યરત રાખવું અને સમયસર રિન્યુ કરાવવી એ સંબંધિત ઇમારતના માલિક, સંચાલક અથવા કબજેદારની જવાબદારી રહેશે. જો આમાં કોઈ બેદરકારી કે ઉલ્લંઘન થશે, તો ગંભીર કાયદેસર પગલાં લેવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓથી જાનમાલનું નુકશાન ન થાય અને તમામ નાગરિકો સલામત રહે.