અશાંતધારા હેઠળ ગેરરીતિના આરોપ, સુરતમાં વહીવટી તંત્ર સામે ગંભીર પ્રશ્નો
પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ નવાપુરા સંઘર્ષ સમિતિ સાથે મળીને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી નવાપુરા વિસ્તારની અશાંતધારા હેઠળ થયેલી મિલકત તબદીલીમાં ગંભીર ગેરરીતિના આરોપ લગાવ્યા છે. આવેદનમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ સામે હકીકત વિરુદ્ધના તારણો, ગંભીર બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરવિંદ રાણાના જણાવ્યા અનુસાર, નવાપુરા વિસ્તારના અલ્લીનો ટેકરો, નવી શડક, કણબી શેરી, ભાતની પીઠ, મણી વૈધનો ખાંચો, કરવા રોડ અને નાગરદાસની શેરી જેવા વિસ્તારો અશાંતધારા હેઠળ આવતાં હોવા છતાં ત્યાં કાયદાની ખુલ્લેઆમ અવગણના કરીને મિલકત તબદીલી કરવામાં આવી રહી છે. તેમના દાવા મુજબ, નિયમોને અવગણીને મિલકતો વિધર્મી વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, જે કાયદાની ભાવનાના વિરુદ્ધ છે.
આવેદનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ વિભાગ, મામલતદાર કચેરી અને અશાંતધારા હેઠળના સત્તાધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા વિના જ કાગળ પર અનુકૂળ અભિપ્રાય આપવામાં આવે છે. અરવિંદ રાણાએ કહ્યું કે, અધિકારીઓ ઘણી વખત હકીકતથી વિરુદ્ધ ખોટા અભિપ્રાય આપે છે, જેના કારણે ગેરકાયદેસર મિલકત તબદીલીને માર્ગ મળે છે.
નવાપુરા સંઘર્ષ સમિતિ અને સ્થાનિક નાગરિકોએ અનેક વખત આ બાબતે રજૂઆતો કરી હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આવેદનમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો છે કે, જો સમયસર કડક તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે, તો વિસ્તારમાં સામાજિક તણાવ વધવાની સંભાવના પણ નકારી શકાતી નથી.
અરવિંદ રાણાએ જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક ધોરણે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. તેમણે કહ્યું કે, અશાંતધારો લાગુ હોવા છતાં જો કાયદાની અવગણના થઈ રહી હોય, તો તે ગંભીર બાબત છે અને તેને કોઈપણ રીતે નજરઅંદાજ કરી શકાય નહીં.
આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ રાજકીય અને વહીવટી વર્તુળોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ ફરિયાદ પર કેવી કાર્યવાહી થાય છે, અને તપાસ ક્યાં સુધી પહોંચે છે, તે પર સમગ્ર વિસ્તારની નજર રહેશે.