રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ ૨૦૨૫-૨૬: લોકનૃત્ય સ્પર્ધામાં લિંગા પ્રાથમિક શાળાની શાનદાર જીત
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે ‘રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ ૨૦૨૫-૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા પ્રતિભાશાળી બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કલા કુંભમાં ડાંગ જિલ્લાની લિંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પરંપરાગત કલા અને અદભૂત લયબદ્ધતા સાથે લોકનૃત્ય રજૂ કરીને નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા.
ડાંગ જિલ્લાની લિંગા પ્રાથમિક શાળાએ આ કઠિન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને માત્ર પોતાના ગામનું જ નહીં, પરંતુ સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગૌરવાન્વિત કર્યું છે. ડાંગની આગવી ઓળખ સમાન લોકનૃત્યને જે રીતે આ બાળકોએ મંચ પર જીવંત કર્યું, તેની ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ સફળતા બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને ડાંગ જિલ્લા શિક્ષણ પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમને તૈયાર કરનાર શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
