Gandhidham હાલમાં કંડલા પોર્ટ કસ્ટમ ડ્યૂટી ચોરીને લઈ ખાસ્સું એવું વિવાદમાં છે. પોર્ટ પર ડમ્પ કરવામાં આવી રહેલો માલ-સામાન ક્યાંથી અને કેવી રીતે આવે છે કસ્ટમ વિભાગની આંખમાં ધૂળ ઝોંકવા માટે નીત-નવા તરીકા અપનાવવામાં આવી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
ગાંધીધામમાં આવેલી ઈમ્પોર્ટ કરતી કંપનીનો માલ કંડલા પોર્ટ પર ખડકાયું છે. આ કંપનીનું નામ ક્રિષ્ના ઓવરસીઝ હોવાનું કહેવાય છે. આ કંપની તમામ પ્રકારના ઉત્ખનન ઓજારો અને માલ-સામાનની આયાત તેમજ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામકાજ કરે છે.
હવે ક્રિષ્ના ઓવરસિઝનું કન્ટેનર કંડલા પોર્ટ પર કસ્ટમ સહિત સરકારી એજન્સીઓના ક્લિયરન્સ માટે આવ્યું છે. મામલો એ છે કે આ કન્ટેનર ખરેખર મલેશિયાથી આવ્યું છે કે ચીનથી આવ્યું છે તે અંગે રહસ્ય ઉભું થઈ રહ્યું છે.
વિગતો મુજબ શીપીંગ કંપનીઓ દ્વારા બેનંબરીયા ધંધાને અંજામ આપવા માટે ચીની કંપનીઓના માલ સામાનને આયાત કરવા માટે મલેશિયા દ્વારા કંડલા પોર્ટ સુધી ડમ્પ કરવા માટે એક આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યુ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મધદરિયે ચીની માલને મલેશિયાનાં નામે ખપાવીને શીપીંગ કંપનીઓ ચાઈનીઝ માલને ભારત દેશમાં પધરાવી રહ્યા હોવાની વિગતો પણ ચર્ચાસ્પદ બની છે. ઓરિજલી માલ-સામાનવાળા કન્ટેનરો ચીનનાં હોય છે પંરતુ ડ્યુટી ચોરી કરવા માટે મલેશિયાનું એમ્બાર્ક કહીને પોર્ટ સુધી આ ગોરખધંધો આચરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.
વિગતો મુજબ ક્રિષ્ના ઓવરસિઝનું આ કન્ટેનર મલેશિયાથી સીધું આવ્યું છે કે ચીનથી આવ્યું છે તે વિશે સત્તાવાર રીતે પૂછવામાં આવતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળી શક્યો નથી હવે ક્યા આધારે આવા કન્ટેનરને ક્લિયરન્સ આપવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું છે. વાયા મલેશિયા ચીની માલના કન્ટેનર દ્વારા શીપીંગ કંપનીઓ અને આયાત કરતી કંપનીઓ કસ્ટમ ડ્યુટી ચોરી તો કરવામાં આવી રહી નથી ને તેવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. જોકે, સરકારી એજન્સીઓ કંડલા પોર્ટ લંગારાતા કન્ટેનરો અંગે સતર્કતા ધારણ કરીને કાર્યવાહી કરી રહી છે ત્યારે ક્રિષ્ના ઓવરસિઝના આ કન્ટેનર અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે રાહ જોવાની રહે છે.