ગાંધીનગરઃ અત્યારે ગાંધીનગર વિધાનસભા સત્ર યોજઈ રહ્યું છે ત્યારે સત્ર દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટીશર્ટ પહેરીને આવ્યા હતા. જોકે, ગૃહના અધ્યક્ષને આ પહેરવેશ અયોગ્ય લાગતા તેમને ગૃહમાંથી બહાર મોકલાયા હતા. જોકે, આ બાબતે ગૃહમાં ધમાસાણ મચ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સોમનાથના ધારાસભ્ય અને કૉંગ્રેસના યુવા નેતા વિમલ ચુડાસમા વિધાનસભામાં ‘free spirit’ લખેલું બ્લેક કલરનુ રાઉન્ડ નેક ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાનમાં આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પહેરવેશ યોગ્ય હોવાનું ટાક્યું હતું.
દરમિયાનમાં ગહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જો ધારાસભ્ય ન માને તો તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ અંગે કૉંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.
વિમલ ચુડાસમાએ સમગ્ર મુદ્દે કહ્યુ હતું કે ‘ગૃહમાં અગાઉ અનેક ધારાસભ્યો ટીશર્ટ પહેરીને આવ્યા છે. આ મારૂં નહીં પરંતુ ઓબીસી સમાજનું અપમાન છે. હું ઓબીસી સમાજમાંથી આવું છું સરકારે મારા પહેરવેશને નિશાને બનાવી મારા સમાજનું અપમાન કર્યુ છે.આજ પહેરવેશ પહેરી ને મેં ભાજપના ઉમેદવાર અને તત્કાલિન મંત્રીને 20 હજારથી વધું મતો થી હરાવ્યા હતા.’
આ સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઝંપલાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હાઉસને ગરિમાને યોગ્ય લાગે તેવો પહેરવેશ પહેરીને વિમલ ચુડાસમાએ આવવું જોઈએ. ‘ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ‘કેટલાક નિયમો વણલખાયેલા હોય છે. ઇંગ્લેન્ડનું બંધારણ પણ વણલખાયેલું છે.’
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના સત્રમાં જ સરકારના એક કેબિનેટ મંત્રી અને યુવા ધારાસભ્ય ટીશર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. ન ફક્ત આવ્યા હતા પરંતુ તેમણે પ્રશ્નોતરી દરમિયાન સવાલનો જવાબ પણ આપ્યો હતો છતાં કૉંગ્રેસના ધારાસભ્યના પહેરવેશનો મુદ્દો જાણી જોઈને ચર્ચા કરવામાં આવ્યો હોય તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.