દહેગામઃ આત્મહત્યાના કિસ્સાઓ દરરોજ બનતા રહે છે પરંતુ દહેગામના સાંપા ગામમાં આવેલા તળાવમાં એક વ્યક્તિ પોતાની પુત્રીની નજર સામે જ કૂદી પડ્યો હતો. આ અંગે જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પોલીસને જાણ થતાં રખિયાલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. દહેગામ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરાવી હતી છતાં શખ્સનો પત્તો ન લાગતા સવારે પુનઃ શોધખોળ કામગીરી હાથ ધરાશે તેવુ જાણવા મળે છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંપા ગામના તળાવમાં એક શખ્સ કૂદી પડ્યો હતો. શખ્સ જ્યારે કૂદકો મારી રહ્યો હતો તે સમયે નજીકમાં રહેતા કેટલા વ્યક્તિઓએ તેમજ તળાવમાં કૂદનારની પુત્રીએ જોયો હતો.
જેથી આ અંગેની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને દહેગામ ફાયર વિભાગની ટીમની મદદથી શખ્સની શોધખોળ હાથ ધરી હતી છતાં મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં ગુરુવારે સવારે બહારથી તરવૈયાઓ બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું
સાંપાના તળાવમાં કૂદી જનાર શખ્સ નજીકના નવા પહાડીયા ગામના 45 વર્ષીય જશુજી ભીખાજી ઠાકોર હોવાનું અને તે નજીકમાં આવેલ પહાડીયા ગામનો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું જોકે આ શખ્સ કેમ કૂદી પડ્યો તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા પણ એક વ્યક્તિએ આ તળાવમાં જંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું.