ગાંધીનગર જિલ્લાના કલોલ તેમજ સાંતેજ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ટાવર બેટરી ચોરી થયાની ફરિયાદો બાદ ગઇકાલે પણ અડાલજના દંતાલી ગામે આવેલ મોબાઇલ ટાવરમા લગાવેલી 30 કિલો વજનની એવી કુલ 24 નંગ બેટરીઓની ચોરી થયાની ફરિયાદ દાખલ થતાં ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરની બેટરીઓની ચોરી થયાનો આંકડો 192 સુધી પહોંચી જવા પામ્યો છે. જેમાં કલોલના મોબાઈલ ટાવરો પૈકી કરોલીમાંથી 48 અને પલસાણામાંથી 48,છત્રાલના ઓળા ગામનાં ટાવર માંથી 72 બેટરીઓ અજાણ્યા તસ્કરો દ્વારા અવાર નવાર ચોરી લેવામાં આવતા આશરે સાતેક કિલોમીટર વિસ્તારમા મોબાઇલ નેટવર્ક જામ થઈ જતા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અમદાવાદના ધુમા બોપલ પાસે આવેલી આર. એસ. સિક્યુરિટી કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર પનાલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઇન્ડસ મોબાઇલ ટાવર કંપનીએ મોબાઇલ ટાવરની સિક્યુરિટીનું કામ તેમની કંપનીને આપ્યું છે.
દંતાલી ગામે આવેલ શિવ આશ્રમના કમ્પાઉન્ડમાં ટાવર નંબર 1039756 માંથી બે દિવસ અગાઉ 24 નંગ બેટરીઓ ની ચોરી થવા પામી હતી. 30 કિલો વજનની કુલ 720 કિલો વજનની 24 નંગ બેટરી ની ચોરી થતાં અડાલજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોબાઈલ ટાવરમાં ફિટ કરવામાં આવતી બેટરી કાઢતી વખતે જો સાવધાની ના રાખવામાં આવે તો બ્લાસ્ટ થવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે. જેથી તસ્કરો બેટરી ચોરતાં પહેલા તેના વાયરોને બાંધી દેતાં હોય છે.દંતાલિ વિસ્તારના મોબાઈલ ટાવર માંથી ચોરી કરતા પહેલા તસ્કરોએ તેનાં વાયરો ભેગા કરીને રૂમાલથી બાંધી દીધાં હતાં. જે રૂમાલ માંથી ગાંજાની ગંધ તેમજ તેના નિશાનો મળી આવ્યા છે. જેથી તસ્કરો આ બેટરી ચોરવાના જાણકાર તેમજ નશાના બંધાણી હોવાનું નકારી શકાય તેમ નથી.આ અંગે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેકટર જે. એચ.સિંઘવે કહેલું કે 24 બેટરી ચોરાયાની ફરિયાદ નોંધવામાં આવેલી છે. જેની આશરે કિંમત 24000 હજાર જેવી થાય છે.મોબાઈલ ટાવર ની સિક્યુરીટી માટે ગાર્ડ હોવા છતાં ચોરીની ઘટના બની છે. જેથી પ્રાયોગિક ધોરણે ક્યાં સમયે કયો ગાર્ડ ફરજ બજાવે છે તેની વિગતો મંગાવવામાં આવી છે.