ગાંધીનગર – ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ જાતે લોકડાઉન થઇ ગઇ છે. સંચાલકોએ સોસાયટી કે એપાર્ટમેન્ટના રહીશોને બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બન્ને શહેરમાં કેટલાક એપાર્ટમેન્ટમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓ જોવા મળતાં આજુબાજુની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના સંચાલકો સતર્ક બન્યાં છે. જો કે એક કલાકનો સમય આપ્યો હોવાથી બઘી જગ્યાએ સંચાલકો અને રહીશો આમને-સામને આવી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો 432 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગને એવી દહેશત છે કે સર્વેલન્સ શરૂ કરવામાં આવતા હજી પોઝિટીવ કેસોનો આંકડો વધી શકે છે. અમદાવાદ સહિત જે વિસ્તારો અને શહેરોમાં હોટસ્પોટ બનાવવામાં આવ્યા છે ત્યાં ફરજીયાત મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારોમાં અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને ઘરેબેઠાં આપવામાં આવે છે.
ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં આવેલા સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટના સંચાલકોએ દરવાજા પર બોર્ડ લગાવીને બહારના લોકો પર પ્રવેશ ઉપર તો પ્રતિબંધ મૂક્યો છે પરંતુ તેની સાથે સાથે લોકોના બહાર જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે સરકારે જે સંસ્થા કે કર્મચારીઓને છૂટ આપી છે તેવી છૂટ આ એપાર્ટમેન્ટના સંચાલકોએ આપી છે.
અમદાવાદના કેટલાક એપાર્ટમેન્ટમાં કારણ વિના બહાર જતાં લોકો પર પેનલ્ટી લગાવવાનું શરૂ કર્યું છે. પોલીસની કાર્યવાહી સાથે સંચાલકો પણ હવે વધુ સ્ટ્રીક થયાં છે. લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ લેવા માટે સમયપાલન કરવાનો આગ્રહ કરતી નોટીસ મુખ્ય દરવાજા પર લગાવવામાં આવી છે. કેટલીક સોસાયટીઓએ તો સવારે એક કલાક અને સાંજે એક કલાક સુધી લોકોને ઘરની બહાર નિકળવાની છૂટ આપી છે, જો કે ઘણી જગ્યાએ ઘર્ષણના બનાવો પણ બની રહ્યાં છે.
શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાન અને પોલીસ કર્મચારીઓ સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના સંચાલકોને સમજાવી રહ્યાં છે કે પ્રત્યેક ઘરમાંથી જો લોકો બહાર નિકળશે તો એક કલાકના સમયમાં ટોળાબંધી થશે તેથી આવા આદેશ આપવાનું કોઇ કારણ નથી. જે લોકોને ચીજવસ્તુ લેવી હોય તેવા લોકો એકલ-દોકલ જશે તો ભીડ એકત્ર નહીં થાય. રહીશો માટે જાતે બનાવેલી પાબંધીનો કોઇ અર્થ નથી.
આજે સવારે અમદાવાદના એક એપાર્ટમેન્ટમાં એવી હાલત થઇ કે એક કલાકની સમયમર્યાદામાં એક સાથે તમામ બ્લોકના રહીશો બહાર આવી જતાં ભીડ જેવું દ્રષ્ય થઇ ગયું હતું જેથી પોલીસને મામલો થાળે પાડવો પડ્યો હતો. પોલીસે એક કલાકના સમયગાળાની નોટીસને જાતે હટાવી દીધી હતી.