યાત્રાધામ વિકાસ બોર્ડના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો આરટીઆઇ એક્ટિવિસ્ટ સાથેનો યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સંયુક્ત સચીવ અનિલ પટેલને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ આ ઓડિયો રેકોર્ડિંગની ભાષા પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે. અનિલ પટેલ વર્તમાનમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે.
રાજ્યના પ્રવાસન વિભાગમાં થતાં ભ્રષ્ટાચારમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ કે પદાધિકારીઓ સામેલ હોવાનો દાવો કરતી આ કથિત ઓડિયો ક્લિપમાં અનિલ પટેલ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સાથેની વાતચીત છે. જેમાં પાવાગઢ યાત્રાધામના વિકાસ કાર્યોમાં થતાં ભ્રષ્ટાચાર અંગે સંવાદ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢમાં 110 કરોડની બાંધકામની કામગીરી ચાલે છે. જેમાં કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટ અને યાત્રાધામના ટ્રસ્ટી પરેશ પટેલ દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી 100 થી 125 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યવ્યાપી બે થી અઢી હજાર કરોડનું આ કૌભાંડ હોવાનો આરટીઆઇ એક્ટિવિસ્ટે દાવો કર્યો છે. આ કૌભાંડ મામલે જો સરકાર તપાસ નહીં કરે તો ના છૂટકે જાહેર હિતની અરજી કરવા પણ તૈયારી દર્શાવી છે.
પાવાગઢની સાથે દ્વારકા, મહેસાણાનું બહુચરાજી મંદિરન કામમાં પણ મોટા કૌભાંડ થયાનું ખુદ સંયુક્ત સચિવ રહી ચૂકેલા અનિલ પટેલ ઓડિયો ક્લિપમાં સ્વિકારી રહ્યા છે. જોકે ઓડિયો વાયરલ થયા બાદ અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંગે કર્યો હતો. જેમાં, અનિલ પટેલને નવો કોઈ હુકમ ન થાય ત્યાં સુધી ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.