વારંવાર એસિડિટી થાય છે? શરીરના આ સંકેતોને અવગણવાની ભૂલ ન કરતા
આજના ભાગદોડભર્યા જીવનમાં પેટની નાની-મોટી તકલીફો હોવી સામાન્ય બાબત બની ગઈ છે. પેટમાં સતત દુખાવો રહેવો, પાચનક્રિયામાં અસ્વસ્થતા, અચાનક વજન ઘટવું કે ઝાડામાં લોહી આવવું એવા લક્ષણો છે જે સામાન્ય લાગે છે, પરંતુ તેને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. આ લક્ષણો ઘણીવાર પાચનતંત્ર સાથે જોડાયેલા ‘ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સર’ (Gastrointestinal Cancer) નો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.

ચિંતાની વાત એ છે કે મોટાભાગના લોકો આવા લક્ષણોને ગેસ, એસિડિટી કે મસા (પાઇલ્સ) સમજીને પોતાની મેળે દવાઓ (Self-medication) લીધા કરે છે. વારંવાર ઓવર-ધ-કાઉન્ટર દવાઓ ખાવાથી મૂળ રોગ દબાઈ જાય છે, જેના કારણે રોગનું સમયસર નિદાન થઈ શકતું નથી.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સર શરીરના પાચનતંત્ર સાથે જોડાયેલા વિવિધ અંગોને અસર કરે છે, જેમાં અન્નનળી (Oesophagus), જઠર (Stomach), નાનું આંતરડું, મોટું આંતરડું (Colon), મલાશય (Rectum), લીવર (Liver), પિત્તાશય (Gallbladder) અને સ્વાદુપિંડ (Pancreas) નો સમાવેશ થાય છે. જો પ્રારંભિક તબક્કામાં જ તેનું નિદાન થઈ જાય, તો યોગ્ય સારવાર વડે કેન્સરને મટાડવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.
એસિડિટી અને પાચન સંબંધિત લક્ષણો જેને અવગણવા ન જોઈએ
અપચો, પેટ ફૂલવું (Bloating), એસિડિટી અને છાતીમાં બળતરા થવી એ ખૂબ જ સામાન્ય સમસ્યાઓ છે. પરંતુ જ્યારે આ સમસ્યાઓ સપ્તાહો કે મહિનાઓ સુધી સતત ચાલુ રહે, ત્યારે તેને માત્ર ખોરાક કે ખાવા-પીવાની ટેવને દોષ આપીને છોડી દેવી જોઈએ નહીં.
સામાન્ય દવાઓથી આરામ ન મળવો: સાધારણ એસિડિટીની દવાથી જો છાતી કે પેટની બળતરા શાંત ન થતી હોય અથવા વારંવાર ખોરાક ઉપર આવતો હોય (Reflux), તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
થોડું ખાધા પછી પણ પેટ ભરેલું લાગવું: ઓછો ખોરાક લેવા છતાં પેટ એકદમ ભરાઈ ગયું હોય તેવી અસ્વસ્થતા અનુભવાવી એ જઠર કે અન્નનળીના કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
અચાનક વજન ઘટવું અને ભૂખ ન લાગવી
કોઈપણ પ્રકારના ડાયેટિંગ કે કસરત કર્યા વગર જો થોડા જ મહિનાઓમાં શરીરનું ૫% કરતાં વધુ વજન ઘટી જાય, તો તે ગંભીર ચિંતાનો વિષય છે. કેન્સરને કારણે શરીરના મેટાબોલિઝમ (ચયાપચય) માં ફેરફાર થાય છે અને પાચનમાં અડચણ આવે છે, જેનાથી અચાનક વજન ઘટવા લાગે છે.
સ્વાદુપિંડ (Pancreas) કે જઠરના કેન્સરના કિસ્સામાં દર્દીને ભૂખ લાગવાનું બંધ થઈ જાય છે અથવા ખૂબ ઓછું ખાધા પછી પણ પેટ ભરાઈ ગયાનો અનુભવ થાય છે. આ પ્રકારના વજન ઘટાડાને પોતાની ફિટનેસ સુધરી રહી હોવાની ગેરસમજમાં ન લેવું જોઈએ.

શૌચની ટેવોમાં ફેરફાર અને ઝાડામાં લોહી આવવું
આંતરડાના કેન્સર (Colorectal Cancer) માં શૌચ (Bowel habits) ની નિયમિત પેટર્નમાં ફેરફાર જોવા મળે છે:
૧. સતત કબજિયાત કે ઝાડા: વ્યક્તિની સામાન્ય ટેવ કરતા અલગ પ્રકારની કબજિયાત રહેવી અથવા સતત ઝાડા થવા.
૨. પેટ સાફ ન થવાનો અહેસાસ: શૌચક્રિયા પછી પણ પેટ સંપૂર્ણપણે ખાલી નથી થયું તેવો અસંતોષ સતત રહ્યા કરવો.
૩. પાતળો કે પટ્ટી જેવો ઝાડા થવો: આંતરડાના માર્ગમાં કોઈ ગાઠ કે અવરોધ ઊભો થવાને કારણે ઝાડાનો આકાર ખૂબ જ પાતળો કે પટ્ટી જેવો થઈ જાય છે.
ઝાડામાં લોહીને માત્ર ‘પાઇલ્સ’ ન સમજો
ઝાડા કરતી વખતે લોહી પડવાને મોટાભાગના લોકો હરસ કે મસા (Piles) સમજીને ડોક્ટર પાસે જવાનું ટાળે છે. મલાશય કે મોટા આંતરડામાં કેન્સર હોય તો ઝાડામાં લાલ લોહી દેખાઈ શકે છે. જ્યારે પાચનતંત્રના ઉપરના ભાગમાં (જેમ કે જઠરમાં) લોહી વહેતું હોય, ત્યારે શૌચનો રંગ કાળો અને ડામર જેવો (Melena) થઈ જાય છે. ખાસ કરીને પચાસ વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં ઝાડામાં લોહી કે કાળો ઝાડો દેખાય તો તરત જ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
ખોરાક ગળવામાં તકલીફ અને કમળો (Jaundice)
ગળવામાં તકલીફ (Dysphagia): શરૂઆતમાં દર્દીને કઠણ ખોરાક કે રોટલી ગળતી વખતે ગળામાં કે છાતીમાં કંઈક અટકાતું હોય તેવો અનુભવ થાય છે. સમય જતાં, કેન્સરની ગાંઠ વધવાથી પ્રવાહી (પાણી કે દૂધ) ગળવામાં પણ તકલીફ પડી શકે છે. આ અન્નનળીના કેન્સરનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે.
દુખાવા વગરનો કમળો: ત્વચા અને આંખોનો રંગ પીળો થવો તથા પેશાબ ઘાટો કાળો કે પીળો આવવો એ કમળાના લક્ષણો છે. સ્વાદુપિંડ, પિત્ત નળી (Bile Duct) કે લીવરના કેન્સરને કારણે જ્યારે પિત્તનો માર્ગ અવરોધાય છે, ત્યારે કમળો થાય છે. કોઈ પણ દુખાવા વગર થતા કમળાને સામાન્ય ઇન્ફેક્શન માનીને દેશી કે જડીબુટ્ટીની સારવારમાં સમય બગાડવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
સતત અસહ્ય થાક અને પેટનો અસહ્ય દુખાવો
પેટના કોઈ ચોક્કસ ભાગમાં સતત દુખાવો રહેવો અથવા પેટનો દુખાવો વધીને પીઠ સુધી પહોંચવો એ પણ ચેતવણીરૂપ લક્ષણ છે. સ્વાદુપિંડનું કેન્સર મોટે ભાગે પેટ અને પીઠના ભાગે દુખાવો ઉત્પન્ન કરે છે.
આ ઉપરાંત, જો પાચનતંત્રની અંદર ધીમો-ધીમો રક્તસ્રાવ થતો હોય, તો શરીરમાં આયર્નની ક્ષતિ થઈને એ એનિમિયા (લોહીની ટકાવારી ઘટવી) નું રૂપ લે છે. આના કારણે દર્દીને સતત અને અસ્પષ્ટ થાક કે નબળાઈ અનુભવાય છે.
તપાસ, નિદાન અને અદ્યતન સારવાર ઉપાયો
જો પાચન સંબંધિત સામાન્ય લક્ષણો ૨ અઠવાડિયાં (૧૪ દિવસ) થી વધુ સમય સુધી ચાલુ રહે, તો તબીબી તપાસ કરાવી લેવી હિતાવહ છે. પરંતુ જો ઝાડામાં લોહી પડવું, કમળો થવો કે ખોરાક ગળવામાં તકલીફ થવી જેવાં લક્ષણો દેખાય, તો ૨ અઠવાડિયાંની રાહ જોયા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
નિદાન માટેની મુખ્ય તપાસો:
એન્ડોસ્કોપી (Endoscopy): અન્નનળી અને જઠરની અંદરની સ્થિતિ જોવા માટે.
કોલોનોસ્કોપી (Colonoscopy): મોટા આંતરડા અને મલાશયની તપાસ માટે.
અધતન સ્કેન: સોનોગ્રાફી, સીટી સ્કેન કે એમઆરઆઈ.
લોહીની તપાસ: એનિમિયા કે લીવરના ફંક્શન જાણવા માટે.
રોબોટિક અને મિનિમલી ઇન્વેસિવ સર્જરી:
આજના આધુનિક યુગમાં, જો કેન્સરનું નિદાન વહેલું થઈ જાય, તો મિનિમલી ઇન્વેસિવ (લેપ્રોસ્કોપિક) અથવા રોબોટિક સર્જરી દ્વારા નાના કાપ મૂકીને અસરગ્રસ્ત પેશીઓને દૂર કરી શકાય છે. આનાથી દર્દી ઝડપથી સાજો થઈ શકે છે અને કેન્સર મુક્ત જીવન જીવી શકે છે.
