અરવલ્લી જિલ્લામાં ઉનાળો શરૂ થતાં જ પાણી ની પોકારો શરૂ થઈ જતી હોય છે ત્યારે બાયડ તાલુકામાં પાણી નહીં મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. બાયડ પાલિકાના પેટાપરા કાંસના છાપરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણી ન મળતાં કંટાળેલી મહિલાઓએ બાયડ પાલિકામાં હલ્લાબોલ કરી દીધો હતો. મહિલાઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉનાળાની ગરમીમાં આસપાસના ખેતરોમાં ભટકી પાણી લાવવું પડે છે છેલ્લા એક સપ્તાહથી તો પાણી બિલકુલ આવતું નથી જેને લઇ પાલિકામાં આ વિસ્તારની મહિલાઓએ સોમવાર સવારના સુમારે અચાનક જ આવી ભારે હોબાળો કરી મૂક્યો હતો. પાલિકા સત્વરે આ વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડે તેવી માગણી ઉઠવા પામી છે.
પાણીની સમસ્યાને લઇને પાલિકા તંત્રએ જણાવ્યું કે, સફાઈ તથા પાણીની સમસ્યાની ફરિયાદ મળી છે જ્યારે પાણીની સમસ્યા ઝડપથી નિરાકરણ થાય તે માટે કાર્યવાહી કરશું.
એક તરફ પાલિકા દ્વારા ટેક્ષ ઉઘરાવવાની ઝૂંબેશ હાથ ધરાઈ છે. ત્યારે નગરજનોની સામાન્ય જરૂરિયાત પૂરી નથી પડતી તેઓ આક્ષેપ નગરમાં થઈ રહ્યો છે. ટેક્ષનું ઉઘરાણું કરી સુવિધાના નામે કંઈ નથી તેવા પણ આક્ષેપ નગરજનો કરી રહ્યા છે.