મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ઇમરજન્સી મેડિકલ ડે’ નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી – કર્ણાવતી મહાનગર દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં ૧૦ થી ૨૦ મિનિટના ‘ગોલ્ડન ઓવર’માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યની ૩૮ મેડિકલ કોલેજોમાં ૧૨૦૦ થી વધુ તબીબો દ્વારા ગુજરાતના અંદાજિત ૭૦ હજારથી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવા પણ જઈ રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની કટિબદ્ધતા અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી મુશ્કેલી હોય ત્યારે સેવાના કામમાં જરૂર આવીને ઉભો રહે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે. સમર્પિત કાર્યકર્તાઓને કારણે જ દરેક અભિયાન શક્ય અને સફળ બનતું હોય છે.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતાની વચ્ચે રહીને હર હંમેશથી સેવા કરતો આવ્યો છે. લોકોની વચ્ચે રહીને દરેક મુશ્કેલીના સમયમાં નાગરિકોની સેવા કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કાર્યપધ્ધતિ રહી છે એવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકોને અહેસાસ થયો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમની દરકાર કરે છે આ વિશ્વાસનું પરિણામ જનતાએ જોયું છે. આમ ભારતીય જનતા પાર્ટીની જીત એ જ આ વિશ્વાસનું પરિણામ છે.
‘જે કહેવું એ કરવું’ અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવું એવી કાર્ય પદ્ધતિ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દરેક કાર્યકર્તાએ અપનાવી છે. રાજ્ય સરકારે પણ ૫ લાખનું વીમા કવચ વધારીને ૧૦ લાખ કર્યું છે. એટલું જ નહીં દરેક તાલુકા લેવલે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. આ બધું ‘જે કહેવું એ કરવું’ તેનું ઉદાહરણ છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.