અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા મહાદેવ ગ્રામ ખાતે ડંપિંગ સાઈટનો સતત વિરોધ ચાલી રહ્યો છે. મોડાસા નગર પાલિકાની ડંપિંગ સાઈટ માટે કલેક્ટરે જગ્યા ની ફાળવણી કરવામાં આવી હતી જોકે, સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક લોકો કોઈપણ ભોગે અહીં ડંપિંગ સાઈટને લાવવા દેવા માંગતા નથી, તેમનું કહેવું છે કે, અહીં કચરો ઠાલલવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર થઈ શકે એમ છે. ત્યારે ભારે વિરોધ થયા પછી સ્થાનિક લોકોએ મોડાસાના ધારાસભ્ય ભિખુસિંહ પરમારને નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મોડાસા નગરપાલિકા વિસ્તારના વેસ્ટ કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા મોડાસાના મહાદેવગ્રામ બાકરોલ ખાતે જમીનની ફાળવણી કરી છે. ત્યારે મહાદેવગ્રામ સહિત આસપાસના 10થી વધુ ગામના લોકો દ્વારા આ ડમ્પિંગ સાઈડ અન્ય સ્થાને ખસેડવાની માગ સાથે ગઈકાલે ઉગ્ર આંદોલન કર્યું હતું. રસ્તા પર ટાયરો રોકીને આડસ ઉભી કરી ચક્કાજામ કર્યું હતું.
નગરપાલિકા સ્ટાફ જેસીબી મશીન સહિત જગ્યા પર આવતા અટકાવ્યા હતા. ત્યારે હવે આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. ગ્રામજનો, સરપંચ અને મોટી સંખ્યામાં મહિલાઓ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના ગામ મોડાસાના ચારણવાડા ખાતે આવેલા નિવાસ સ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મહાદેવગ્રામ ખાતે આવેલી ડમ્પિંગ સાઈડ અન્ય સ્થાને ખસેડવાની માગ કરી છે.