ગિફ્ટ સિટી હવે વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની હરોળમાં, યુવાનો માટે વિશ્વસ્તરીય તકો ઉભી કરવાની દિશામાં સરકાર કટિબદ્ધ
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬”ના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા અને ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ ઉદય કોટક સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ગિફ્ટ સિટીના સંઘર્ષ અને સફળતાની ગાથા યાદ કરતા જણાવ્યું કે, બે દાયકા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું આ વૈશ્વિક ફિનટેક સિટીનું સ્વપ્ન આજે સાકાર થઈને વિશ્વના નકશા પર ગર્વભેર ઉભરી આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે ગિફ્ટ સિટીની સીધી સ્પર્ધા
ગિફ્ટ સિટી હવે સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યૂયોર્ક જેવા સ્થાપિત આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. આ સફળતા પાછળ IFSCA નું સબળ નિયમનકારી માળખું અને આકર્ષક ટેક્સ પદ્ધતિ જવાબદાર છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગિફ્ટ સિટી માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પણ દેશના લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર છે. અહીં કામ કરતા યુવાનોને વૈશ્વિક કક્ષાનું એક્સપોઝર અને વળતર મળી રહ્યું છે, જેથી હવે વિદેશમાં નોકરી કરવા માટે યુવાનોએ સ્થળાંતર કરવાની જરૂર રહેશે નહીં.
વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ અને આધુનિક જીવનશૈલી પર વિશેષ ધ્યાન
ગિફ્ટ સિટીને ‘ન્યુ-એજ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર’ બનાવવા માટે હવે ઉચ્ચ કક્ષાની પ્રતિભાઓ તૈયાર કરવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. આ માટે IIM-અમદાવાદ જેવી સંસ્થાઓ અને ગિફ્ટ સિટીમાં સ્થપાયેલી વિદેશી યુનિવર્સિટીઓ સાથે મળીને નવું વિઝનરી યુથ ફોર્સ તૈયાર કરવામાં આવશે. યુવાનોની સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી એક વર્ષમાં ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ્સ શરૂ કરવાની અને ‘વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી’ મોડેલ હેઠળ રહેવાની શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્ય માટે ગિફ્ટ સિટી એક સેતુ
વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા અને ચેરમેન ઉદય કોટકે ગિફ્ટ સિટીને ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના લક્ષ્ય માટેનો મહત્વપૂર્ણ સેતુ ગણાવ્યો હતો. ડિજિટલ ઇકોનોમી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવ સંસાધન સૌથી મોટી સંપત્તિ છે, અને ગિફ્ટ સિટી આ દિશામાં પરિવર્તન અને ઇનોવેશનની પ્રયોગશાળા તરીકે કામ કરશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને રેગ્યુલેટર્સ વચ્ચેના સચોટ સમન્વયથી ગિફ્ટ સિટી વિશ્વના શ્રેષ્ઠ નાણાકીય કેન્દ્રોની હરોળમાં સ્થાન મેળવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

