ઇટાલીમાં જ્યોર્જિયા મેલોની સામે જનતાનો આક્રોશ: શું ટ્રમ્પના યુદ્ધની અસર તેમની સત્તા છીનવી લેશે?
ઇટાલીના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ દેશમાં ન્યાયિક સુધારા (Judicial Reforms) માટે જે જનમત સંગ્રહ (Referendum) કરાવ્યો હતો, તેમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આશરે 54 ટકા જનતાએ મેલોનીના આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો મતદારોનો આ જ મિજાજ રહ્યો તો આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મેલોનીએ પોતાની ખુરશી ગુમાવવી પડી શકે છે. વર્ષ 2022 પછી મેલોની માટે આ પહેલો મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પનું યુદ્ધ અને મેલોનીની મુશ્કેલીઓ
આશ્ચર્યજનક રીતે, ઇટાલીના આ સ્થાનિક જનમત સંગ્રહ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર જોવા મળી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇટાલીની જનતામાં એવી ધારણા પ્રબળ બની છે કે મેલોની સરકાર અમેરિકાની નીતિઓને આંધળું સમર્થન આપી રહી છે, જેના કારણે ઇટાલી પણ બિનજરૂરી રીતે યુદ્ધમાં ખેંચાઈ શકે છે.
યુદ્ધની અસર અને જનતાની નારાજગીના મુખ્ય કારણો:
મોંઘી વીજળી અને ઉર્જા સંકટ: એજન્સીના સર્વે મુજબ, ઇટાલીની 77 ટકા જનતા મેલોની સરકારથી નારાજ છે. તેનું મુખ્ય કારણ યુદ્ધને લીધે વધતી જતી ઉર્જાની કિંમતો છે. ઇટાલીના નાગરિકોનું કહેવું છે કે તેઓ સમગ્ર યુરોપમાં વીજળી માટે સૌથી વધુ ટેક્સ ચૂકવી રહ્યા છે અને ટ્રમ્પના યુદ્ધને કારણે આ સ્થિતિ વધુ વણસી શકે છે.
ટ્રમ્પ સાથેની નિકટતા: અહેવાલ મુજબ, 2024 પછી મેલોનીએ પોતાને ટ્રમ્પના નજીકના સાથી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય યુરોપિયન નેતાઓ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે મેલોની તેમનો પક્ષ લઈ રહ્યા હતા. જનતાને ડર છે કે આ નિકટતા ઇટાલીને મધ્ય પૂર્વના સંઘર્ષમાં હોમી દેશે.
વિપક્ષનો આક્રમક પ્રચાર: ઇટાલીના વિપક્ષી દળોએ ઈરાન પરના હુમલા અને માનવીય સંકટના મુદ્દે મેલોનીની ચુપકીદીને મોટો મુદ્દો બનાવ્યો છે. વામપંથી પક્ષોએ ન્યાયિક સુધારાના આ જનમત સંગ્રહને ‘સરમુખત્યારશાહી’ સાથે જોડીને જનતાને મેલોની વિરુદ્ધ એકજૂથ કરવામાં સફળતા મેળવી છે.
શું બદલાશે ઇટાલીનું રાજકારણ?
ઇટાલીની જનતામાં અત્યારે ટ્રમ્પ પ્રત્યે ભારે રોષ છે અને મેલોનીને આ રોષનો પરોક્ષ ભોગ બનવું પડ્યું છે. સર્વે પ્રમાણે, 58 ટકા નાગરિકો ઈચ્છે છે કે ઇટાલી મધ્ય પૂર્વમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લે અને વોશિંગ્ટન તથા ઈઝરાયેલથી અંતર જાળવી રાખે.
આ જનમત સંગ્રહના પરિણામો બાદ હવે પીએમ મેલોની ન્યાયતંત્રમાં દખલગીરી કરી શકશે નહીં. આગામી વર્ષે યોજાનારી વડાપ્રધાન પદની ચૂંટણી પહેલા આ પરિણામો મેલોની માટે લાલબત્તી સમાન છે. જો તેઓ જનતાના મનમાંથી યુદ્ધનો ભય દૂર કરવામાં અને મોંઘવારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેશે, તો ઇટાલીમાં સત્તા પરિવર્તન નિશ્ચિત જણાય છે.

