ગોડાવદર ગામની મહિલાએ સાબુ બનાવી બદલી નાંખ્યું જીવન
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ હવે માત્ર ઘરકામ કે ખેતી સુધી સીમિત રહી નથી. સમય બદલાતાં તેઓ સ્વરોજગાર અને નાના ઉદ્યોગો તરફ આગળ વધી રહી છે. પોતાની મહેનત અને કૌશલ્યના બળે મહિલાઓ આર્થિક સ્વાવલંબન મેળવી રહી છે. આવી જ એક પ્રેરણાદાયક સફળતાની કહાણી લીલીયા તાલુકાના ગોડાવદર ગામમાંથી સામે આવી છે. અહીંની મહિલાઓ સાબુ બનાવવાની પ્રવૃત્તિ દ્વારા નવી ઓળખ ઊભી કરી રહી છે.
ગોડાવદર ગામની મમતાબેન બની પ્રેરણાનું ઉદાહરણ
ગોડાવદર ગામની મમતાબેન ગજેરા આજે અનેક ગ્રામ્ય મહિલાઓ માટે આશાનો દીવો બની છે. ધોરણ દસ સુધી અભ્યાસ કરેલ મમતાબેન પહેલાં ખેતી અને ઘરકામ સુધી સીમિત જીવન જીવતી હતી. પરંતુ હિંમત અને આત્મવિશ્વાસ સાથે તેમણે કંઈક અલગ કરવાની વિચારણા કરી. આજે તેઓ સફળ મહિલા ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાઈ રહી છે અને પરિવારની જવાબદારીઓ સાથે વ્યવસાય પણ સંભાળી રહી છે.
તાલીમથી બદલાઈ જીવનની દિશા
મમતાબેનને સાબુ બનાવવાની વ્યવસાયિક તાલીમ SBI RCT (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ) દ્વારા મળી હતી. આ તાલીમ તેમના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ. તાલીમ દરમિયાન સાબુ બનાવવાની પદ્ધતિ, યોગ્ય કાચા માલની પસંદગી, ગુણવત્તા જાળવવાની રીત તેમજ વેચાણ અંગે માર્ગદર્શન મળ્યું. તાલીમ પૂર્ણ થયા બાદ તેમણે પોતાના ઘરેથી જ નાની શરૂઆત કરી અને સતત પ્રયાસો દ્વારા વ્યવસાય વિકસાવ્યો.
વિવિધ પ્રકારના સાબુથી વધતી માંગ
હાલમાં મમતાબેન 25થી વધુ પ્રકારના સાબુ તૈયાર કરે છે. એમાં એલોવેરા, લીમડો, ગુલાબ, ચંદન, હળદર અને મોગરા જેવી સુગંધ અને ઔષધીય ગુણો ધરાવતા સાબુનો સમાવેશ થાય છે. રસાયણમુક્ત અને ત્વચા માટે સલામત હોવાના કારણે આ સાબુની માંગ વધતી જઈ રહી છે. ગ્રામ્ય સાથે સાથે શહેરોમાં પણ લોકો આ ઉત્પાદનો પસંદ કરી રહ્યા છે.
મહિને પચાસ હજારની આવકથી મજબૂત બન્યું જીવન
છેલ્લા એક વર્ષથી મમતાબેન નિયમિત સાબુ બનાવે છે અને મહિને અંદાજે પચાસ હજાર રૂપિયાનું વેચાણ કરે છે. આ આવકથી પરિવારની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થયો છે. હવે નાની જરૂરિયાતો માટે કોઈ પર આધાર રાખવો પડતો નથી. પોતે આત્મનિર્ભર બની મમતાબેન અન્ય મહિલાઓને પણ ઘરેથી ઉદ્યોગ શરૂ કરવા પ્રેરણા આપી રહી છે.

