સરકારની યોજનાએ બદલી નાંખ્યું વાઘેલા ગામની મહિલાનું જીવન
ભારત આજે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત નવી પહેલો કરી રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામીણ મહિલાઓ હવે પરંપરાગત સીમાઓમાંથી બહાર આવી રહી છે. આધુનિક ટેકનોલોજી સાથે જોડાઈને તેઓ નવી આવકના માર્ગો શોધી રહી છે. આવી જ એક મહત્વની યોજના છે ‘નમો ડ્રોન દીદી’ યોજના. આ યોજના ગ્રામીણ મહિલાઓ માટે રોજગાર સાથે સન્માન અને આત્મવિશ્વાસનું માધ્યમ બની રહી છે.
વાઘેલા ગામની અંકિતાબેન બની ઉદાહરણ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામની અંકિતાબેન માલવણિયા આજે આ યોજનાનું જીવતું ઉદાહરણ બની છે. ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલી અંકિતાબેન અગાઉ ઘરકામમાં વ્યસ્ત ગૃહિણી હતી. પરંતુ યોજનાની તક મળતાં તેમણે પોતાનું જીવન નવી દિશામાં વાળ્યું. આજે તેઓ ડ્રોન પાયલોટ તરીકે ઓળખાય છે. મહિને 15 હજારથી 25 હજાર રૂપિયા સુધીની આવક મેળવી તેઓ પરિવારને આર્થિક ટેકો આપી રહી છે.
તાલીમથી વધ્યો આત્મવિશ્વાસ અને કુશળતા
અંકિતાબેન સખી મંડળ સાથે જોડાયેલા હતા, જ્યાંથી તેમને નમો ડ્રોન દીદી યોજના અંગે માહિતી મળી. અરજી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાદ તેમની પસંદગી થઈ. ત્યારબાદ અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટીમાં 15 દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી. તાલીમ દરમિયાન ડ્રોન ઉડાવવાની ટેકનિક, જાળવણી, સલામતી નિયમો અને કૃષિ ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન મળ્યું. પરીક્ષા પાસ કરીને તેઓ અધિકૃત રીતે ડ્રોન દીદી બન્યા.
ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો લાભ
તાલીમ બાદ સરકારે અંકિતાબેનને આધુનિક ડ્રોન આપ્યા. આજે તેઓ ખેડૂતોના ખેતરોમાં જઈ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે છે. ખાસ કરીને ઊંચા પાકોમાં આ પદ્ધતિ ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. ડ્રોનથી સમય અને પાણી બંનેની બચત થાય છે. ખેડૂતોને માત્ર 100 રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે, જ્યારે બાકીની રકમ સરકાર સબસિડી રૂપે આપે છે.
નવી ઓળખ અને ઉજ્જવળ ભવિષ્ય
અંકિતાબેન કહે છે કે આ યોજનાએ તેમને નવી ઓળખ આપી છે. આજે તેઓ માત્ર આવક મેળવતી નથી, પરંતુ ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની છે. નમો ડ્રોન દીદી યોજના મહિલાઓને સ્વાવલંબી બનાવવાની સાથે લખપતિ દીદી બનવાના સપના તરફ આગળ ધપાવી રહી છે. આવી પહેલોથી ગ્રામીણ ભારતની મહિલાઓનું ભવિષ્ય વધુ મજબૂત બની રહ્યું છે.

