અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વૈશ્વિક બજાર પ્રભાવિત; જાણી લો ૨૪થી લઈને ૧૪ કેરેટનો આજનો લેટેસ્ટ ભાવ
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધતા તણાવ અને નવા મિસાઈલ તેમજ ડ્રોન હુમલાઓના કારણે વૈશ્વિક નાણાકીય બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. આ ભૌગોલિક-રાજકીય (Geopolitical) સંકટની સીધી અસર સુરક્ષિત રોકાણ ગણાતી કિંમતી ધાતુ સોનાના ભાવો પર પડી છે, જેના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં દરો સતત બદલાઈ રહ્યા છે.
દેશભરમાં આજે ૪ જૂન, ૨૦૨૬ ના રોજ સોનાના ભાવોમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજાર સહિત ભારતીય સરાફા બજારમાં પણ સોનાના દરો સતત પ્રભાવિત થઈ રહ્યા છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ૨૪ કેરેટ સોનાના વાયદાના ભાવમાં ૦.૩% એટલે કે ૪૬૮ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે તે ૧,૫૪,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો હતો, જે પાછલા ટ્રેડિંગ દિવસે ૧,૫૪,૩૩૨ રૂપિયા પર બંધ થયો હતો. જોકે, ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા મુજબ, હાજર બજારમાં કિંમતો ઘટીને તમામ કર સહિત ૧,૫૯,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ નોંધાઈ હતી.
શુદ્ધતા અને કેરેટ મુજબ આજના સવારના દરો (IBJA)
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના સત્તાવાર આંકડા અનુસાર, ગુરુવારે સવારના સત્રમાં સોનાની શુદ્ધતાના આધારે ભાવો નીચે મુજબ રહ્યા છે:
-
૨૪ કેરેટ સોનું (૯૯૯ શુદ્ધતા): આજે સવારે આ શુદ્ધ સોનાનો ભાવ ૧,૫૫,૦૩૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચ્યો છે.
-
૨૩ કેરેટ સોનું (૯૯૫ શુદ્ધતા): દાગીના અને સિક્કા માટે વપરાતા આ સોનાનો સવારનો દર ૧,૫૪,૪૧૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો છે.
-
૨૨ કેરેટ સોનું (૯૧૬ શુદ્ધતા): સામાન્ય રીતે જ્વેલરી બનાવવા માટે સૌથી વધુ પસંદ કરાતા ૨૨ કેરેટ સોનાનો ભાવ આજે સવારે ૧,૪૨,૦૧૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
-
૧૮ કેરેટ સોનું (૭૫૦ શુદ્ધતા): ડાયમંડ જ્વેલરી માટે અનુકૂળ એવા આ સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૧,૧૬,૨૭ રૂપિયા નોંધાયો છે.
-
૧૪ કેરેટ સોનું (૫૮૫ શુદ્ધતા): ઓછા બજેટની હળવી જ્વેલરી માટે વપરાતા ૧૪ કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ ૯૦,૬૯૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો છે.
બીજી તરફ, લોકપ્રિય ફાઇનાન્સ પોર્ટલ ગુડરિટર્ન્સ અનુસાર, ૨૪ કેરેટ સોનાનો છૂટક બજારનો ભાવ હાલમાં ૧,૫૬,૩૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ ચાલી રહ્યો છે.
દેશના પ્રમુખ શહેરોમાં સોનાનો ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)
ભારતના અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક ટેક્સ અને સરાફા એસોસિએશનના નિયમોના કારણે ભાવોમાં થોડો તફાવત જોવા મળે છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે ૨૪ કેરેટ સોનું ૧,૫૬,૩૭૦ રૂપિયા, ૨૨ કેરેટ સોનું ૧,૪૩,૩૫૦ રૂપિયા અને ૧૮ કેરેટ સોનું ૧,૧૭,३૨૦ રૂપિયા પર ઉપલબ્ધ છે. આર્થિક પાટનગર મુંબઈ અને પૂર્વ ભારતના મુખ્ય કેન્દ્ર કોલકાતામાં ભાવો સમાન જોવા મળ્યા છે, જ્યાં ૨૪ કેરેટનો ભાવ ૧,૫૬,૨૨૦ રૂપિયા, ૨૨ કેરેટનો ભાવ ૧,૪૩,૨૦૦ રૂપિયા અને ૧૮ કેરેટનો ભાવ ૧,૧૭,૧૭૦ રૂપિયા છે. દક્ષિણ ભારતના ચેન્નાઈ શહેરમાં સોનાના ભાવો સૌથી ઊંચા છે, જ્યાં ૨૪ કેરેટ સોનું ૧,૫૮,૧૮૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનું ૧,૪૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
પાછલા દિવસોનો ઘટાડો અને વાયદા બજારની સ્થિતિ
નોંધનીય છે કે, છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ૧,૮૫૦ રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો, જેના કારણે કિંમત ૧.૫૯ લાખ રૂપિયા પર આવી ગઈ હતી. મંગળવારના બંધ ભાવ ૧,૬૧,૪૫૦ રૂપિયાની સરખામણીએ આ ઘટાડો ૧.૧૪ ટકા જેટલો હતો. વાયદા બજાર (Futures Market) ની વાત કરીએ તો, ઓગસ્ટ ડિલિવરી માટેનો કોન્ટ્રેક્ટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૫૬૨ રૂપિયા ઘટીને ૧,૫૮,૭૮૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ આવી જ નરમ સ્થિતિ હતી, જ્યાં ન્યૂ યોર્કના કોમેક્સ (COMEX) પર ગોલ્ડ ફ્યુચર્સ લગભગ એક ટકા ઘટીને ૪,૪૮૨.૩૦ ડોલર પ્રતિ ઔંસ અને હાજર સોનું (Spot Gold) ૪,૪૬૩.8૪ ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું.
બજારના નિષ્ણાતોનું શું કહેવું છે?
આર્થિક વિશ્લેષકોના મતે, આ વર્તમાન કટોકટી પાછળ પશ્ચિમ એશિયાના બદલાતા સમીકરણો જવાબદાર છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા લેમન માર્કેટ્સ ડેસ્કના સંશોધન વિશ્લેષક ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે બજારમાં લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરો રહેવાનો ભય સતાવી રહ્યો છે, જેની સીધી નકારાત્મક અસર કિંમતી ધાતુઓ પર પડી રહી છે. જ્યારે મીરા એસેટ શેરખાનના કોમોડિટી હેડ પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે યુએસ-ઈરાન વચ્ચે શાંતિ કરાર કે યુદ્ધવિરામ હજુ પણ એક દૂરનું સ્વપ્ન હોવાથી સોનાના ભાવો દબાણ હેઠળ છે. બંને દેશો વચ્ચે થયેલા તાજેતરના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ક્રૂડ ઓઈલની કિંમતો પણ વધી છે, જેના કારણે રોકાણકારો અત્યારે કોઈપણ મોટું જોખમ લેવાના મૂડમાં નથી અને તેમની નજર પશ્ચિમ એશિયાના આગામી ઘટનાક્રમ પર ટકેલી છે.