શું તમારું જીમેલ ઇનબોક્સ ફુલ થઈ ગયું છે? ગૂગલ હવે ફ્રી સ્ટોરેજમાં કરી રહ્યું છે ધરખમ ઘટાડો
તાજેતરમાં એક રેડિટ (Reddit) યુઝરે શેર કરેલી માહિતી મુજબ, નવા જીમેલ એકાઉન્ટ બનાવવા પર ગૂગલ હવે માત્ર ૫જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપી રહ્યું છે. અત્યાર સુધી ગૂગલ ડ્રાઈવ, જીમેલ અને ગૂગલ ફોટોઝ ત્રણેય મળીને કુલ ૧૫જીબી સ્પેસ ફ્રીમાં મળતી હતી. જોકે, નવા અહેવાલો સૂચવે છે કે ગૂગલ હવે તેના ફ્રી સ્ટોરેજ પ્લાનમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યું છે.
આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે ‘sungusungu’ નામના યુઝરે એન્ડ્રોઇડ ઓથોરિટી (Android Authority) ના રિપોર્ટને ટાંકીને સ્ક્રીનશોટ શેર કર્યો. આ સ્ક્રીનશોટ મુજબ, ગૂગલે યુઝરને નવા એકાઉન્ટ સાથે માત્ર ૫જીબી સ્ટોરેજ આપ્યું હતું, જે ક્લાઉડ સ્ટોરેજની દુનિયામાં એક મોટો ઘટાડો કહી શકાય.
શું છે આ નવો ‘ટ્વિસ્ટ’? ૧૫જીબી સ્ટોરેજ કેવી રીતે પાછું મળશે?
ગૂગલની આ નવી રણનીતિમાં એક મોટો વળાંક (Twist) પણ છે. ગૂગલે યુઝરને બે વિકલ્પો આપ્યા હતા:
૧. ફોન નંબર સાથે વેરિફિકેશન: જો યુઝર પોતાનો મોબાઈલ નંબર ગૂગલ એકાઉન્ટ સાથે લિંક કરે છે, તો તેને પહેલાની જેમ જ ૧૫જીબી ફ્રી સ્ટોરેજ ‘અનલોક’ કરવાની તક મળશે.
૨. નંબર વગર મર્યાદિત સ્ટોરેજ: જો કોઈ યુઝર પોતાનો ફોન નંબર શેર કરવા માંગતો નથી, તો તેણે માત્ર ૫જીબી સ્ટોરેજ સાથે જ સંતોષ માનવો પડશે.
આનો સીધો અર્થ એ થયો કે ૧૫જીબી સ્પેસ મેળવવા માટે હવે યુઝર્સે પોતાનો પર્સનલ ડેટા એટલે કે મોબાઈલ નંબર ગૂગલને આપવો ફરજિયાત બની શકે છે.
ગૂગલ આવું કેમ કરી રહ્યું છે? ડેટા કલેક્શન કે સુરક્ષા?
આ મામલે ઇન્ટરનેટ યુઝર્સમાં બે પ્રકારના મત જોવા મળી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ગૂગલ આ રીતે યુઝર્સનો ડેટા એકઠો કરવાની નવી તરકીબ અજમાવી રહ્યું છે. મોબાઈલ નંબર લિંક કરવાથી ગૂગલ પાસે યુઝરની વધુ સચોટ માહિતી પહોંચે છે.
બીજી તરફ, ઘણા યુઝર્સનું માનવું છે કે આ પગલું ‘સ્પામ’ (Spam) એકાઉન્ટ્સ રોકવા માટે હોઈ શકે છે. ઘણા લોકો બોટ (Bot) દ્વારા અસંખ્ય ફ્રી એકાઉન્ટ્સ બનાવીને ગૂગલના સર્વરનો દુરુપયોગ કરે છે. મોબાઈલ નંબર ફરજિયાત બનાવવાથી આવા ફેક એકાઉન્ટ્સ પર લગામ લગાવી શકાશે.
જૂના યુઝર્સ માટે શું છે સમાચાર?
રાહતની વાત એ છે કે હાલમાં આ ફેરફાર માત્ર નવા જીમેલ એકાઉન્ટ બનાવનારા યુઝર્સ માટે જ જોવા મળ્યો છે. જૂના યુઝર્સ જેઓ પહેલેથી ૧૫જીબી સ્ટોરેજ વાપરી રહ્યા છે, તેમના માટે અત્યાર સુધી કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. ગૂગલના ઓફિશિયલ સપોર્ટ પેજ પર પણ હજુ ૧૫જીબી ફ્રી સ્ટોરેજનો જ ઉલ્લેખ છે.

