‘દિવ્યાંગ બસ પાસ’ ને ડિજીલોકર સાથે જોડવા બદલ ગુજરાતને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read
૪.૪૨ લાખ દિવ્યાંગોને થશે સીધો ફાયદો: મફત બસ મુસાફરી સાથે મળશે ૪ લાખનો અકસ્માત વીમો
  • પેપરલેસ ગવર્નન્સ તરફ ગુજરાતનું મોટું પગલું: સામાજિક ન્યાય વિભાગની સફળ પહેલને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ
  • ખોવાઈ જવાનો કે બગાડવાનો ડર ખતમ: મોબાઈલની એક ક્લિક પર ઉપલબ્ધ થશે દિવ્યાંગ બસ પાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ અને પેપરલેસ ગવર્નન્સના વિઝનને સાકાર કરતા ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ તથા રાજ્ય ઈ-ગવર્નન્સ મિશન ટીમ (SeMT) દ્વારા દિવ્યાંગજનો માટેના બસ પાસને ‘ડિજીલોકર’ (DigiLocker) એપ સાથે સફળતાપૂર્વક સંકલિત કરવામાં આવ્યા છે. આ સુવિધાયુક્ત અને નાગરિક-કેન્દ્રિત ડિજિટલ પહેલની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘નાગરિક-કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સમાં શ્રેષ્ઠતા’ (Excellence in Citizen-Centric Digital Governance) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ઇ-ગવર્નન્સ ક્ષેત્રે લેવાયેલા આ નિર્ણાયક પગલાથી લાખો દિવ્યાંગ નાગરિકો માટે ‘જીવનની સરળતા’ (Ease of Living) વ્યાપકપણે વધી છે.
Gujarat Divyang Bus Pass DigiLocker

ભૌતિક પાસ રાખવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની બસોમાં મફત મુસાફરી કરવા માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા લાયક દિવ્યાંગજનોને ‘દિવ્યાંગ બસ પાસ’ જારી કરવામાં આવે છે. નવી વ્યવસ્થા હેઠળ, આ પાસને ડિજીલોકર સાથે જોડી દેવામાં આવ્યો છે. પરિણામે, હવે દિવ્યાંગ મુસાફરોને પોતાની સાથે મૂળ ભૌતિક પાસ કે કાગળના દસ્તાવેજો રાખવાની જરૂર રહેશે નહીં. મુસાફરી દરમિયાન બસ કંડક્ટરને પોતાના સ્માર્ટફોનમાં ડિજીલોકર એપમાં સ્ટોર કરેલો ડિજિટલ પાસ બતાવીને તેઓ સરળતાથી મફત મુસાફરી કરી શકશે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “દિવ્યાંગ બસ પાસ એ સત્તાવાર રીતે દિવ્યાંગતા ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. વિભાગે અત્યાર સુધીમાં રાજ્યભરના ૪.૪૨ લાખથી વધુ દિવ્યાંગજનોના પાસને ડિજીલોકર સાથે લિંક કરી દીધા છે. આ સુવિધાથી દિવ્યાંગોને પરિવહનમાં ભારે સરળતા રહેશે.”
Gujarat Divyang Bus Pass DigiLocker

સુરક્ષિત ડેટા અને પેપરલેસ ગવર્નન્સ

સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના સચિવ હર્ષદ પટેલ (IAS) એ ઉમેર્યું હતું કે, “બસ પાસ ડિજીલોકરમાં સુરક્ષિત રીતે સ્ટોર થતો હોવાથી હવે પાસ ખોવાઈ જવાનો, ફાટી જવાનો કે ઘરે ભૂલી જવાનો ભય રહેશે નહીં. નાગરિકો કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી પોતાના ડિજિટલ પાસનો ઉપયોગ કરી શકશે. આ પહેલ રાજ્યમાં પેપરલેસ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એક આદર્શ ઉદાહરણ છે.”
કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સલાહકાર વર્કશોપ દરમિયાન ગુજરાતને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
Gujarat Divyang Bus Pass DigiLocker

મફત મુસાફરી સાથે ₹૪ લાખનું આકસ્મિક વીમા કવરેજ

ડિજિટલ સુવિધા ઉપરાંત, આ યોજના હેઠળ દિવ્યાંગજનો માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા કવચ પણ જોડાયેલું છે. ‘દિવ્યાંગ બસ પાસ’ ધરાવતા તમામ ૪.૪૨ લાખથી વધુ લાભાર્થીઓને એસટી બસમાં મફત મુસાફરી સિવાય રૂપિયા ૪ લાખનું આકસ્મિક મૃત્યુ વીમા કવરેજ (Accidental Death Insurance) પણ પૂરું પાડવામાં આવે છે. જો કોઈ પાસ ધારકનું આકસ્મિક અવસાન થાય છે, તો તેમના નોમિની અથવા વારસદાર નિર્ધારિત દસ્તાવેજો રજૂ કરીને વીમાની રકમનો દાવો કરી શકે છે.
ગુજરાત સરકારની આ ટેકનોલોજી-સંચાલિત પહેલે રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓનું વિતરણ વધુ પારદર્શક, ઝડપી અને તકલીફ વગરનું બનાવ્યું છે.
Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.