રાજ્યમાં નેત્ર સારવાર ક્ષેત્રે મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹8.85 કરોડના ખર્ચે 18 અદ્યતન ફેકો મશીનો મંજૂર

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આંખની સારવાર બનશે વધુ આધુનિક, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી મંજૂરી

ગુજરાતના નાગરિકોને સરકારી હોસ્પિટલોમાં પણ ખાનગી હોસ્પિટલો જેવી જ શ્રેષ્ઠ, આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મોટું અને પ્રશંસનીય કદમ ઉઠાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં નેત્ર રોગની અદ્યતન સારવાર તેમજ મોતિયાના અત્યાધુનિક ઓપરેશન (Cataract Surgery) માટે ૧૮ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણયથી રાજ્યના હજારો સામાન્ય અને આર્થિક રીતે નબળા દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ટેકનોલોજી દ્વારા આંખની સારવાર મેળવવાનો માર્ગ મોકળો થયો છે. મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં જે ઓપરેશન માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, તે જ ગુણવત્તાયુક્ત સારવાર હવે સરકારી હોસ્પિટલોમાં મફત મળશે.

- Advertisement -

WhatsApp Image 2026 10 15 at 10.43.54 AM.jpeg

કઈ-કઈ સરકારી હોસ્પિટલોને મળશે આ અત્યાધુનિક સુવિધા?

આરોગ્ય વિભાગ દ્વારા રૂ. ૮.૮૫ કરોડથી વધુના અંદાજિત ખર્ચે વસાવવામાં આવનારા આ ૧૮ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીનો’ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓની જાણીતી સરકારી આંખની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ફાળવવામાં આવશે. હોસ્પિટલની દર્દીઓની સંખ્યા અને જરૂરિયાત મુજબ આ મશીનોનું વિતરણ નીચે મુજબ કરવામાં આવ્યું છે:

- Advertisement -
  • એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી (અમદાવાદ): ૭ મશીન

  • ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (ભાવનગર): ૨ મશીન

  • જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (મોરબી): ૨ મશીન

  • ન્યૂ સિવિલ હોસ્પિટલ (સુરત): ૧ મશીન

  • ઓલ્ડ સિવિલ હોસ્પિટલ (સુરત): ૧ મશીન

  • જી.જી. જનરલ હોસ્પિટલ (જામનગર): ૧ મશીન

  • જનરલ હોસ્પિટલ, ઈ.એસ.આઈ.સી. (વડોદરા): ૧ મશીન

  • જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ (ગાંધીનગર): ૧ મશીન

  • જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ (વડનગર): ૧ મશીન

  • જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ (હિંમતનગર): ૧ મશીન

શું છે ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’? જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘ફેકોઇમલસિફિકેશન’ એ મોતિયાના ઓપરેશન માટેની વિશ્વભરમાં વપરાતી અત્યંત સુરક્ષિત અને આધુનિક સર્જિકલ પદ્ધતિ છે. આ મશીન સર્જનને અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને પ્રવાહીના પ્રવાહ (Fluidics) પર ચોક્કસ નિયંત્રણ પૂરું પાડે છે. આ અદ્યતન મશીનની મુખ્ય તકનીકી વિશેષતાઓ નીચે મુજબ છે:

  • એલિપ્ટિકલ મૂવમેન્ટ ટેકનોલોજી: મશીનના હેન્ડપીસમાં રહેલી આ ટેકનોલોજીના કારણે મોતિયાના કઠણ ટુકડાઓને ખૂબ જ સરળતાથી તોડીને દૂર કરી શકાય છે, જેનાથી ઓપરેશન દરમિયાન આંખની પેશીઓને નુકસાન થવાનો ભય રહેતો નથી.

  • CASE ટેકનોલોજી (Chamber Stabilization Environment): સર્જરી દરમિયાન આંખની અંદરના દબાણમાં થતા ફેરફારોને આ સિસ્ટમ તરત જ ઓળખી લે છે. તે વેક્યૂમ અને પ્રવાહી પ્રવાહને સંતુલિત રાખીને આંખની અંદર અચાનક દબાણ ઘટવાના જોખમને (Post-Occlusion Surge) અટકાવે છે, જેથી સર્જરી સંપૂર્ણપણે સુરક્ષિત બને છે.

  • પેરિસ્ટાલ્ટિક પમ્પ સિસ્ટમ: આ મશીનમાં રહેલું ખાસ પમ્પ પ્રવાહીના પ્રવાહ અને સક્શનને ચોક્કસ રીતે કંટ્રોલ કરે છે, જેથી મોતિયાના ઝીણામાં ઝીણા કણોને સક્શન ટીપ વડે સરળતાથી ખેંચીને બહાર કાઢી શકાય છે.

  • યુઝર-ફ્રેન્ડલી કંટ્રોલ: ઓપરેશન દરમિયાન આંખના ડોક્ટર પોતાની જરૂરિયાત મુજબ પગના ફૂટ પેડલ (Foot Pedal) વડે જ અલ્ટ્રાસાઉન્ડ પાવર અને પ્રવાહીના પ્રવાહના સેટિંગ્સને ત્વરિત બદલી શકે છે.

દર્દીઓને શું થશે સીધો ફાયદો?

આ અત્યાધુનિક મશીનો સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓને અનેક ગણા ફાયદા થશે.

સૌથી મોટો ફાયદો એ છે કે આ મશીનમાં રહેલું ‘Ellips FX હેન્ડપીસ’ ઓપરેશન વખતે આંખ પર મૂકવામાં આવતા અત્યંત નાના કાપ (ચીરા) પાસે વધુ પડતી ગરમી ઉત્પન્ન થવા દેતું નથી. ગરમી ઓછી ઉત્પન્ન થવાને કારણે ઓપરેશન પછી આંખની કીકીમાં સોજો (Corneal Edema) આવવાની અથવા તો અન્ય આડઅસરો થવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે.

- Advertisement -

નાનો કાપ હોવાના કારણે ઓપરેશનમાં ટાંકા લેવાની જરૂર પડતી નથી. દર્દીને ઓપરેશન દરમિયાન ખૂબ જ ઓછો દુખાવો થાય છે અને ઓપરેશન પછી દ્રષ્ટિ ખૂબ જ ઝડપથી સ્પષ્ટ થાય છે. દર્દી ઓપરેશનના થોડા જ દિવસોમાં પોતાના રોજિંદા કામકાજ પર પાછા ફરી શકે છે. રાજ્ય સરકારના આ અભિગમથી ગરીબ દર્દીઓને પણ આંતરરાષ્ટ્રીય સ્તરની નેત્ર સારવાર સહેલાઈથી મળી રહેશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.