‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ નાટકની ધમાકેદાર રજૂઆત, ગુજરાતની ટીમ હવે કોલકાતા પહોંચશે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી મહીસાગર જિલ્લાની ટીમે સમગ્ર પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાન મેળવીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. આ ભવ્ય વિજય સાથે જ ગુજરાતની ટીમે હવે આગામી ૬ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ કોલકાતાના સાયન્સ સિટી ખાતે યોજાનારા ‘નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬–૨૭’ના ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવી લીધો છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી આગામી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી.
જિલ્લા સ્તરે ૩૨૬ નાટકોથી શરૂ થયેલી વૈજ્ઞાનિક યાત્રા
વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે નાટકને સૌથી અસરકારક અને સક્ષમ માધ્યમ માનવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન નાટકો પ્રત્યે રસ જાગે અને ગુજરાતમાં વિજ્ઞાન રંગભૂમિની એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસે તે હેતુથી ગુજકોસ્ટ દ્વારા આ નવતર આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનની શરૂઆત ૨૩ સપ્ટેમ્બરથી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC)ના માધ્યમથી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓથી થઈ હતી. જેમાં ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ ‘વિજ્ઞાન અને સમાજ’ (Science & Society) વિષય પર કુલ ૩૨૬ જેટલા નાટકો રજૂ કર્યા હતા. આ વિશાળ ભાગીદારીમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી રાજ્યની કુલ ૩૧ ટીમોની પસંદગી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવી હતી.
રાજકોટમાં રાજ્યકક્ષાનો મહોત્સવ અને મહીસાગરની શાળાઓનો વિજય
જિલ્લા સ્તરના સફળ આયોજન બાદ, ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજકોટના પ્રતિષ્ઠિત હેમુ ગઢવી હોલ ખાતે બે દિવસીય ‘રાજ્યકક્ષા વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭’ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે કલા અને રંગભૂમિ ક્ષેત્રના જાણીતા મહાનુભાવો પદ્મ ડૉ. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને યુવા કલાકારોને પ્રેરણા પૂરી પાડી હતી. આ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના વિચારપ્રેરક નાટક ‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ની અસરકારક રજૂઆત કરીને રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને પશ્ચિમ ઝોનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું બહુમાન મેળવ્યું હતું.
ગુજકોસ્ટની સઘન મેન્ટરશિપ અને નિષ્ણાતોનું માર્ગદર્શન
વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ ગુજકોસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી સતત અને વ્યવસ્થિત તાલીમનો મોટો ફાળો રહ્યો છે. જિલ્લા સ્તરની વિજેતા ટીમોથી લઈને રાજ્ય વિજેતા બનેલી મહીસાગરની ટીમને પશ્ચિમ ઝોનલ સ્પર્ધા માટે સજ્જ કરવા સુધી ગુજકોસ્ટ દ્વારા નિયુક્ત કરાયેલા નિષ્ણાત મેન્ટર્સ દ્વારા સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યોની સચોટ રજૂઆત, અભિનય કૌશલ્ય અને સ્ટેજ પ્રેઝન્ટેશન અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી. આ જ રીતે, હવે કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલે માટે પણ ગુજકોસ્ટ અને તેની નિષ્ણાત મેન્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
રંગભૂમિ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અને નેતૃત્વનું વિઝન
રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)ના માર્ગદર્શન અને ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજા (IAS)ના નેતૃત્વ હેઠળ ગુજકોસ્ટ રાજ્યના ખૂણેખૂણાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડવા માટે સતત કાર્યરત છે. ગુજકોસ્ટ માત્ર સ્પર્ધાઓ પૂરતું મર્યાદિત ન રહેતા, જિલ્લાથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી દરેક વિદ્યાર્થીને સમાન તક, યોગ્ય મંચ, મેન્ટરશિપ અને પ્રોત્સાહક પુરસ્કારો પૂરા પાડી તેમની સુષુપ્ત પ્રતિભાને બહાર લાવી રહ્યું છે. રંગભૂમિ જેવા લોકભોગ્ય માધ્યમ દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તર્કશક્તિ તથા સર્જનાત્મકતા કેળવવાની આ પહેલ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
