સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’: ONDC અને ઈ-કોમર્સની મદદથી ગુજરાતના ગામડાંની હસ્તકલા પહોંચી ગ્લોબલ બજાર સુધી
આજે ગુજરાતના ગામડાંની મહિલાઓ માત્ર ઘરની જવાબદારીઓ પૂરતી સીમિત નથી રહી, પરંતુ પોતાની કુશળતા અને અથાગ મહેનતના બળે સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી રહી છે. રાજ્યની આ ગ્રામીણ નારીશક્તિને આર્થિક રીતે પગભર બનાવવામાં ‘ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ’ (GLPC) એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકારના ‘દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ (DAY-NRLM) હેઠળ વર્ષ 2021 થી 2026 ના પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યભરમાં કુલ 236 ભવ્ય ‘સરસ મેળાઓ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં 8,500 થી વધુ સ્વ-સહાય જૂથો (SHGs) એ ભાગ લઈને અંદાજે ₹39 કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં યોજાતા આ મેળાઓનો ઉદ્દેશ્ય માત્ર વસ્તુઓ વેચવાનો નથી. તેનો મૂળ હેતુ ગ્રામીણ બહેનોની પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને ખાદ્યપદાર્થોને વચેટિયાઓ વિના સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. આનાથી બહેનોને માર્કેટિંગ, ગ્રાહક સાથે સંવાદ અને બ્રાન્ડિંગની વ્યવહારુ તાલીમ પણ મળે છે.
તહેવારોની મોસમમાં ગ્રામીણ બહેનોના કૌશલ્યને અદભૂત પ્રતિસાદ
ચાલુ વર્ષે તહેવારો દરમિયાન યોજાયેલા મેળાઓમાં ગ્રામીણ બહેનોની કારીગરીને લોકોએ ખોબલે ને ખોબલે વધાવી લીધી છે. શ્રાવણ ઉત્સવ દરમિયાન યોજાયેલા 7 મેળાઓમાં 187 સ્ટોલ પર 370 થી વધુ બહેનોએ ₹1.3 કરોડનું વેચાણ કર્યું, જેની 10 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રિ-નવરાત્રીના 383 સ્ટોલ પર 766 બહેનોએ ₹2 કરોડથી વધુની કમાણી કરી હતી.

આ ઉપરાંત, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં “સ્ત્રી શક્તિ-સખી શક્તિ” થીમ હેઠળ નારીશક્તિનું શાનદાર પ્રદર્શન યોજાયું હતું. જ્યારે મહેસાણા, અમરેલી અને નવસારીમાં યોજાયેલા પ્રી-દિવાળી મેળાઓમાં પણ 115 સ્ટોલ પર 226 બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ આત્મનિર્ભરતાની મિસાલ કાયમ કરી હતી.
અમદાવાદ અને રાજકોટના રાષ્ટ્રીય ‘સરસ મેળા’માં ₹8.62 કરોડનું વિક્રમી વેચાણ
તાજેતરમાં અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના ‘સરસ મેળાઓ’એ સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. આ બંને મેળાઓમાં કુલ 324 સ્ટોલ પરથી 648 બહેનોએ સંયુક્ત રીતે અંદાજે ₹8.62 કરોડનું વેચાણ કર્યું હતું. અમદાવાદમાં 23 ઓક્ટોબર થી 5 નવેમ્બર, 2026 દરમિયાન 160 સ્ટોલ પર 320 બહેનોએ 6.5 લાખથી વધુ મુલાકાતીઓને ₹3.5 કરોડથી વધુની વસ્તુઓનું વેચાણ કર્યું. આ પ્રસંગે ધોળકા અને બાવળાના ચાર સખી મંડળોને ₹23 લાખની કેશ ક્રેડિટ લોન તેમજ પાંચ બહેનોને ‘લખપતિ દીદી’ પ્રમાણપત્ર અપાયા હતા. સાથે જ સાબરકાંઠા, આણંદ અને અમદાવાદની 350 બહેનો માટે પ્રેરણા પ્રવાસ અને બ્રાન્ડિંગ, વીમા-સખી તથા ONDC અંગેના વર્કશોપ યોજાયા હતા.
બીજી તરફ, રાજકોટમાં 25 ઓક્ટોબર થી 5 નવેમ્બર, 2026 દરમિયાન 164 સ્ટોલ પર 328 બહેનોએ 10 લાખથી વધુ મુલાકાતીઓ સમક્ષ ઉત્પાદનો રજૂ કરીને ₹5.12 કરોડની કમાણી કરી. અહીં પડધરી, જસદણ, ધોરાજી, કોટડા સાંગાણી અને લોધિકાના પાંચ મિશન મંગલમ જૂથોને ₹22 લાખની લોન, ઉપલેટાના ઓમ સાંઈ ક્લસ્ટર લેવલ ફેડરેશનને ₹3.5 લાખનું સ્ટાર્ટ-અપ ફંડ, બે જૂથોને અમૂલ પાર્લરના મંજૂરી હુકમ અને પાંચ બહેનોને ‘લખપતિ દીદી’ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હતી. બહેનોને ડિજિટલ યુગ સાથે જોડવા ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, પેકેજિંગ, કેટરિંગ અને ONDC ઓનબોર્ડિંગના વિશેષ વર્કશોપ પણ યોજાયા હતા.
કચ્છના રણોત્સવમાં ‘સખી ક્રાફ્ટ બજાર’ દ્વારા વૈશ્વિક મંચ
ગ્રામીણ બહેનોની આ પ્રગતિને વધુ આગળ વધારવા માટે આગામી 5 ડિસેમ્બર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 દરમિયાન કચ્છના વિશ્વપ્રસિદ્ધ રણોત્સવમાં ‘સખી ક્રાફ્ટ બજાર’નું આયોજન થશે. અહીં 15-15 દિવસના રોટેશન મુજબ 100 ક્રાફ્ટ સ્ટોલ અને 10 ફૂડ સ્ટોલ સહિત કુલ 110 સ્ટોલ 650 થી વધુ સખીમંડળની બહેનોને ફાળવવામાં આવશે. આનાથી દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી ગુજરાતની ગ્રામીણ કલા પહોંચશે અને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં મહિલાઓનું યોગદાન વધુ મજબૂત બનશે.
