હાથીની અંબાડી પર બંધારણની સન્માન યાત્રા! ગુજરાત વિધાનસભામાં યાદ કરાયો ઐતિહાસિક પ્રસંગ
ભારતીય લોકશાહીના પાયાને મજબૂત કરનારા ૭૭મા બંધારણ દિવસની ઉજવણી આજે ગુજરાત વિધાનસભા ખાતે અત્યંત ગરિમામય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. વિધાનસભાના પોડિયમ ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ભારતીય બંધારણનું વિધિવત પૂજન અને આમુખનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા પરિસરમાં જનપ્રતિનિધિઓ અને યુવા વિદ્યાર્થીઓની હાજરીથી સમગ્ર વાતાવરણ બંધારણીય ચેતનાથી ગુંજી ઉઠ્યું હતું.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કર્તવ્યનિષ્ઠા અનિવાર્ય: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
રાજ્યના નાગરિકોને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બંધારણના મૂળ હાર્દ વિશે મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા એ આપણા સંવિધાનનો મૂળ ઉદ્દેશ છે, જેને સુદૃઢ કરવાનું કાર્ય દેશનો દરેક નાગરિક કરી શકે છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે સંવિધાન પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બને તે માટે નાગરિકોએ ક્યારેય અરાજકતાનો માર્ગ ન અપનાવવો જોઈએ. જ્યારે નાગરિકો પોતાના અધિકારોની સાથે સાથે કર્તવ્ય પ્રત્યે પણ સજાગ બને છે, ત્યારે જ રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બને છે. સંવિધાને આપેલા અધિકારોનો યોગ્ય અને પદ્ધતિસર ઉપયોગ કરીને જ આપણું રાષ્ટ્ર અને સમાજ પ્રગતિના સર્વોચ્ચ શિખરો સર કરી શકશે. લોકતંત્રને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકમાં સંવિધાન પ્રત્યે નિષ્ઠા કેળવાય અને આવનારી પેઢીઓ તેના મૂળ ઉદ્દેશોને આત્મસાત કરે તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
હાથીની અંબાડી પર સંવિધાનની સન્માન યાત્રાનો ઐતિહાસિક પ્રસંગ
ભારતીય બંધારણની વિશેષતાઓ વર્ણવતા અધ્યક્ષ ચૌધરીએ ગૌરવ સાથે જણાવ્યું કે ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને સ્વયંસ્પષ્ટ લેખિત બંધારણ છે. તેમાં હકોની સાથોસાથ ફરજોનો પણ સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે તેમણે એક અવિસ્મરણીય ઘટના યાદ અપાવતા કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે હાથીની અંબાડી પર સંવિધાનને બિરાજમાન કરીને પોતે ખુલ્લા પગે ચાલીને ભવ્ય ‘સન્માન યાત્રા’ કાઢી હતી. આ ઐતિહાસિક પહેલ દ્વારા તેમણે સમગ્ર દેશ અને નાગરિકોને પ્રેરક સંદેશ આપ્યો હતો કે સંવિધાનની મર્યાદા અને તેનું ગૌરવ જાળવવું એ આપણા સૌની પ્રાથમિક ફરજ છે.
બંધારણ એ લોકતંત્રનો પવિત્ર ગ્રંથ છે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
ભારતીય સંવિધાનના મુખ્ય શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવપૂર્વક વંદન કરતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રનું સંવિધાન એ માત્ર એક કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ સમગ્ર દેશનો વહીવટ જેના આધારે સુચારુ રૂપે ચાલે છે તેવી સર્વોચ્ચ માર્ગદર્શિકા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત માટે સંવિધાન એ લોકતંત્રનો પવિત્ર ગ્રંથ છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના પાયાના મૂલ્યો પર ટકેલો આ મજબૂત આધારસ્તંભ દેશના દરેક નાગરિકના અધિકારો અને ફરજોનું રક્ષણ કરે છે.
શિક્ષણ મંત્રીએ વડાપ્રધાનના બંધારણ પ્રત્યેના આદરભાવને યાદ કરતા ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પ્રથમ વખત સંસદ ભવનમાં પ્રવેશ કરતી વખતે નરેન્દ્રભાઈ મોદીએ સંસદ અને સંવિધાનને શીશ ઝુકાવીને વંદન કર્યા હતા. તેમણે કહ્યું કે આ ભારતીય સંવિધાનનું જ અદભુત સામર્થ્ય છે કે એક સામાન્ય અને ગરીબ પરિવારનો દીકરો પણ આજે દેશના સર્વોચ્ચ એવા વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યો છે.
ધારાસભ્યો, અધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી
આ ગરિમામય કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ માનસિંહ સોંઢાજી, દેવાભાઈ માલમ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ અને પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ રીટા મહેતા તેમજ વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
યુવા પેઢીમાં બંધારણીય મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. તેમાં ગાંધીનગરની ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ કોલેજ, સરકારી આર્ટ્સ કોલેજ, પી. કે. ચૌધરી મહિલા કોલેજ, સિદ્ધાર્થ લો કોલેજ ઉપરાંત અમદાવાદની મોતીલાલ નહેરૂ લો કોલેજ, મણિનગરની સરકારી લો કોલેજ, વિવેકાનંદ લો કોલેજ તેમજ નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ સામૂહિક રીતે આમુખનું વાંચન કરીને બંધારણ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી.
