વાપી, નવસારી, મોરબી સહિત 9 શહેરોનું બદલાશે ચિત્ર! વિકાસ માટે સરકાર આપશે મફત જમીન

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
6 Min Read

5 વર્ષ સુધી મળશે ખાસ છૂટ! ગુજરાતની 9 મહાનગરપાલિકાઓ માટે સરકારનો નવો જમીન નિયમ

મુખ્યમંત્રી ભૂપન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિકાસને નવી ગતિ આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે. રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ મળે અને જમીન મેળવવા માટે ઊભા થતા મોટા આર્થિક ભારણને ઘટાડી શકાય, તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણય મુજબ, નવી બનેલી મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપન્દ્રભાઈ પટેલના સીધા નેતૃત્વ અને મહેસુલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી નવરચિત મહાનગરપાલિકાઓને જાહેર હિતની સુવિધાઓ માટે સરકારી જમીન વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ વધુ સરળ બન્યો છે.

- Advertisement -

Property in wifes name legal issues 3.jpeg

નવરચિત 9 મહાનગરપાલિકાઓને મળશે મોટો લાભ

મહેસુલ વિભાગના તાજેતરના ઠરાવ અનુસાર, રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલી નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ — એમ કુલ 9 મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ, વહીવટી માળખાના નિર્માણ અને શહેરી વિકાસ માટે સરકારી જમીનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓ પાસે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે અને જમીન ખરીદવા પાછળ મોટો આર્થિક બોજ ઊભો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓ માટે જમીન મેળવવામાં મોટી આર્થિક રાહત મળશે અને શહેરના વિકાસકાર્યો માટે જરૂરી જમીન ઝડપથી ઉપલબ્ધ કરાવવાની કામગીરીને વેગ મળશે.

11 પ્રકારની નાગરિક સુવિધાઓ માટે જમીન ફાળવણી

નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે કુલ 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ (પાણી પુરવઠાના કામો), સોલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામગીરી, બાળવાડી (આંગણવાડી), ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે.

આ તમામ સુવિધાઓ શહેરના વહીવટી માળખાને મજબૂત બનાવવા, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાનું વિસ્તરણ કરવા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સુધારવા, અગ્નિશમન સેવા વધુ સુદૃઢ બનાવવા તથા સામાજિક અને સામુદાયિક સુવિધાઓ ઊભી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

- Advertisement -

એક હેક્ટર સુધી જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવાઈ

મહેસુલ વિભાગના ઠરાવ મુજબ, દર્શાવેલા હેતુઓ માટે એક હેક્ટરની મર્યાદામાં સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાય તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. જોકે, એક હેક્ટરથી વધુ જમીનની માંગણી હોય અથવા ગૌચર જમીનની માંગણી કરવામાં આવે, તેવા કિસ્સામાં રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

જમીન ફાળવણીની આ સમગ્ર કામગીરી ગુજરાત જમીન મહેસૂલ નિયમો, 1972ના સંબંધિત નિયમો અને ઠરાવમાં દર્શાવેલી જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. જમીન મેળવવા માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે કલેક્ટરને અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન વ્યવસ્થાથી જમીન ફાળવણીની પ્રક્રિયાને એક વ્યવસ્થિત અને પારદર્શક વહીવટી માળખા હેઠળ આગળ ધપાવી શકાશે.

ગૌચર જમીન ફાળવણી અંગે પણ સ્પષ્ટ જોગવાઈ

જો કોઈ જાહેર સુવિધા માટે ગૌચર જમીનની જરૂરિયાત ઊભી થાય, તો તે અંગે ગૌચર નીતિ અને ઠરાવમાં દર્શાવેલી શરતો અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. જો ગૌચર જમીન ફાળવવામાં આવે તેવો કિસ્સો બને, તો તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી ગૌચરનું સંતુલન જળવાઈ રહે. સાથે જ, એક હેક્ટરથી વધુ જમીન અથવા ગૌચર જમીનની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત રહેશે.

જમીનની માલિકી સરકારની જ રહેશે

ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ માત્ર નિર્ધારિત જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે. આ જમીનની માલિકી સરકારની જ રહેશે અને જમીનના ગામ નમૂના નં. 7માં કબજેદાર તરીકે ‘ સરકાર’ તથા અન્ય હક્કમાં ‘શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ’ દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

જો કોઈ કારણસર ફાળવવામાં આવેલી જમીનનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ ન થાય અને સરકારને અન્ય કોઈ જાહેર હેતુ માટે તે જમીનની જરૂરિયાત ઊભી થાય, તો ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ મુજબ તે જમીન પરત લેવાની કાર્યવાહી કરી શકાશે.

Rajkot Property Market 2.jpg

પાંચ વર્ષ માટે નિયમોમાં ખાસ છૂટછાટ

મહેસુલ વિભાગ દ્વારા જમીન ફાળવણીના નિયમોમાં આપવામાં આવેલી આ ખાસ છૂટછાટ ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન નવરચિત મહાનગરપાલિકાઓને જાહેર હિતની આવશ્યક અને વૈકલ્પિક સુવિધાઓ ઊભી કરવા માટે જમીન ફાળવણીની કાર્યવાહી આ ઠરાવની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવશે.

શહેરી વિકાસને વેગ અને મહાનગરપાલિકાઓને આર્થિક રાહત

નવરચિત મહાનગરપાલિકાઓને જમીન ખરીદવા માટે થનારા આર્થિક ખર્ચમાં રાહત આપવી, જાહેર સુવિધાઓના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવવી અને શહેરોના માળખાકીય વિકાસને ગતિ આપવી એ આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ છે. તેના પરિણામે પાણી, ગટર, સ્વચ્છતા, અગ્નિશમન, વહીવટી અને સામાજિક સુવિધાઓના માળખાના નિર્માણ માટે નવી મહાનગરપાલિકાઓને આયોજનબદ્ધ રીતે આગળ વધવાની તક મળશે, જેનો સીધો ફાયદો સ્થાનિક નાગરિકોના જીવનધોરણને સુધારવામાં થશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.